ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આખરે મનહરભાઇ પટેલને ઉમેદવાર જાહેર કરાતા કોંગ્રેસ કાર્યકારોએ હાશકારો અનુભવ્યો હતો. અને લાંબા સમયનાં ઇન્તઝાર બાદ ભાવનગર બેઠક પર ઉમેદવારનું નામ જાહેર થતા લોકોની તથા કોંગ્રેસનાં કાર્યકરોની અટકળોનો અંત આપ્યો હતો. મનહરભાઇ પટેલ આવતીકાલે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે તેમ જણાવ્યું હતું.
તા.૨૩ એપ્રિલના રોજ ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી યોજાનાર છે ત્યારે ઉમેદવારી પત્રો ભરવાના બે દિવસ અગાઉ જ કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવાર તરીકે મનહર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. આ બેઠક માટે છેલ્લા એક સપ્તાહથી અનેક નામોની અટકળો ચાલી રહી હતી. જ્યારે કેટલાક લોકો તો કોંગ્રેસમાંથી હવે શક્તિસિંહ ગોહિલ ચૂંટણી લડશે તેવી પણ આશા રાખીને બેઠા હતા. ત્યારે આજે આખરે કોંગ્રેસ દ્વારા ભાવનગરની બેઠક માટે મૂળ વલ્લભીપુર તાલુકાના પાટણા ગામના ખેડૂત પુત્ર એવા મનહરભાઇ વસાણી (પટેલ)ના નામની જાહેરાત કરાતા કોંગી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ ફેલાયો છે.
મનહરભાઇ પટેલ ગુજરાત સરકારની ગુજરાત કૃષિ યુનિ.માં સંશોધન અને શિક્ષણનું ૧૬ વર્ષ કાર્ય કરવાનો બહોળો અનુભવ ધરાવવા ઉપરાંત ૨૦ વર્ષથી કોંગ્રેસ પક્ષમાં કાર્ય કરી રહ્યા છે અને પક્ષની નાની મોટી જવાબદારીઓ નીભાવી રહ્યા છે.જેમાં હાલ તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ સમીતીના ડેલીગેટ અને ગુજરાત કોંગ્રેસમાં પ્રવક્તા તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેમના નામની જાહેરાત થતા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો જેમાં ખાસ કરીને પાટીદારોમાં ખુશીનો માહોલ છવાયો છે. પોતાનું ઉમેદવાર તરીકે નામ જાહેર થતા મનહરભાઇ પટેલે જણાવ્યું હતું કે આવતીકાલે સવારે ૧૦ કલાકે તેઓ શિવશક્તિ હોલ ખાતેથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને સાથે રાખી કલેકટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરવા જશે. આમ, ભાવનગરમાં કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવાર જાહેર થતા હવે ભારતીબેન શિયાળ અને મનહરભાઇ પટેલ વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાશે.