વડોદરાઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠેએ આઈપીએલ મેચ પર કથિત રીતે સટ્ટો લગાવવાના આરોપમાં ધરપકડ થયાના એક દિવસ બાદ જામીન પર છૂટ્યાની સાથે પોતાને નિર્દોષ ગણાવ્યા છે. અરોઠેએ કહ્યું, ક્રિકેટ મારી આજીવિકા છે. હું આજે જે પણ છું, તે ક્રિકેટને કારણે છું. હું તે પ્રકારનું કામ ક્યારેય નહીં કરૂ. જીવનમાં એક પૈસો આડો-અવળો કર્યો નથી. વડોદરા માટે ૧૧૪ પ્રથમ શ્રેણીના મેચ રમી ચુકેલા અરોઠેએ કહ્યું, આવું કરવા વિશે છોડો,. હું ક્યારેય વિચાર્યું પણ નથી. ૫૨ વર્ષના અરોઠે અને ૧૮ અન્યની પોલીસે દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે આઈપીએલ મેચ પર સટ્ટો લગાવવાના આરોપમાં ધરપકડ કરી હતી.
વડોદરા પોલીસ કમિશનર જયદીપ સિંહ જાડેજાએ કહ્યું, અરોઠે મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ છે. અરોઠે તે ૧૯ વ્યક્તિઓમાં સામેલ છે, જેની મંગળવારે રાત્રે આઈપીએલ મેચ પર સટ્ટો લગાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
અરોઠેને ૨૦૧૭માં મહિલા ટીમના કોચ બનાવવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળમાં મહિલા ટીમ વિશ્વ કપ ૨૦૧૭ના ફાઇનલમાં પહોંચી હતી. તેમની પુત્રી ઋૃષિ પણ બરોડા માટે રમે છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા ટીમને વિશ્વ કપના ફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવનાર અરોઠેને સીનિયર ખેલાડીઓ વિશેષકરીને ટી૨૦ની કેપ્ટન હરમનપ્રીત કૌરની ફરિયાદ બાદ ગત વર્ષે જુલાઈમાં બીસીસીઆઈએ પદ પરથી હટાવી દીધા હતા. તેને પ્રેક્ટિસની રીતથી ફરિયાદ હતી.