શહેરના સી.જી.રોડ પર આવેલા સ્પામાં કામ કરતી ચાર થાઇલેન્ડની યુવતીઓ ગેરકાયદે રીતે નોકરી કરતા ઝડપાઈ છે. આ ચારેય વિદેશી યુવતીઓની પૂછપરછ અને ડોક્યુમેન્ટ તપાસતા યુવતીઓ વર્ક પરમિટ વિઝાને બદલે બિઝનેસ વિઝા પર દેશમાં આવીને નોકરી કરતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સ્પા સંચાલક માલિકની ધરપકડ કરીને ચાર થાઇલેન્ડની યુવતીઓ વિરુદ્ધમાં ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નવરંગપુરા પોલીસે રુદ્ર પલ્સ કોમ્પ્લેક્સમાં આવેલા એક્વા સ્પામાં રેડ પાડી હતી. આ સ્પા સેન્ટરમાં ચાર થાઇલેન્ડ અને ત્રણ ભારતીય સહિત સાત યુવતીઓ કામ કરતી હતી. પોલીસે આ ચારેય થાઈલેન્ડની યુવતીઓ વર્ક પરમિટ વિઝાને બદલે બિઝનેસ વિઝા પર સ્પામાં નોકરી કરતી હોવાનો ખુલાસો થતાં કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આ સિવાય કેટલીક યુવતીઓના પાસપોર્ટની મુદત પણ પૂરી થઇ ગઈ હતી. સ્પાના માલિકોએ આ યુવતીઓ ટૂરિસ્ટ કે બિઝનેસ વિઝા પર વિદેશથી આવી હોવાની જાણ હોવા છતાં આર્થિક લાભ માટે તેમને નોકરી પર રાખી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સ્પા સંચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.