કોંગ્રેસનો પેચ બનાસકાંઠામાં અટવાયેલો હતો. ભાજપે બનાસકાંઠામાં પોતાના ઉમેદવાર તરીકે પરબત પટેલની જાહેરાત કરી દીધી હતી. જેમાં કોંગ્રેસ માટે આ બેઠક ગૂંચવાડાભરી હતી. ત્યારે કોંગ્રેસે બનાસકાંઠા બેઠક પર પરથી ભટોળની જાહેરાત કરી હતી. પિતા પરથી ભટોળને કોંગ્રેસે લોકસભાની ટિકીટ આપતા તેમના પુત્ર વસંત ભટોળે ભાજપમાંથી છેડો ફાડ્યો છે.
વસંત ભટોળ દાંતાથી ભાજપના પૂર્વ ધારાસભ્ય હતા. તેઓ ભાજપમાંથી ૨૦૦૯માં ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા. પરંતુ પોતાના પિતા પરથી ભટોળને કોંગ્રેસની લોકસભાની ટિકિટ મળતાં વસંત ભટોળે ભાજપમાંથી રાજીનામુ આપ્યું છે. તેઓ આજે કોંગ્રેસમાં જોડાવાના છે. તેમણે ભાજપને રાજીનામુ ધરતા કહ્યું કે, ભાજપ હવે એક જ વ્યક્તિની પાર્ટી બની ગઈ હોવાથી લોકો પીડિત છે. પોતાના પિતા પરથી ભટોળની જીત નિશ્ચિત હોવાનું વસંત ભટોળે કહ્યું હતું. વસંત ભટોળ હાલ ભાજપના દાંતીવાડા વિસ્તારના પ્રભારી હતા.
બનાસકાંઠા જિલ્લામાં ભાજપે ઉમેદવાર તરીકે પરબત પટેલને મેદાનમાં ઉતારતા જ કોંગ્રેસ માટે સમીકરણો બદલાઈ ગયા હતા. તેથી જ કોંગ્રેસ પણ પરબત પટેલ સામે કદાવર નેતાના શોધમાં હતી. તેથી જ બનાસકાંઠા લોકસભાની કોંગ્રેસની સીટ માટે પરથી ભટોળના નામની જાહેરાત કરી છે. પરથી ભટોળની પસંદગી કરવાનું સૌથી મોટું કારણ એ છે કે, પરથી ભટોળ ૨૫ વર્ષ બનાસડેરીના ચેરમેન રહી ચૂક્યા છે અને સહકારી મંડળીઓ પર તેમની પકડ મજબૂત છે. બનાસ ડેરીને વિશ્વ ફલક પર લઈ જવા તેમનું મોટુ યોગદાન છે. તેઓ ફેડરેશન અને હઙ્ઘઙ્ઘહ્વના ચેરમેન પણ રહી ચૂક્યા છે. સાથે જ અનેક શેક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.કહેવાય છે કે, પરથી ભટોળે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પાસેથી ટિકીટ માંગી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ તેમના સંબંધો સારા છે, પણ ભાજપે તેમને ટિકીટ આપી ન હતી. તેથી હવે કોંગ્રેસમાં ટિકીટ મળી છે.