રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નવા નાણાકીય વર્ષમાં સૌપ્રથમ વખત ચાવીરૂપ વ્યાજદર રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો છે. આ સાથે જ હોમ-ઓટો સહિતની તમામ લોન પરના વ્યાજ દરમાં લોનધારકને રાહત મળશે.આરબીઆઈએ ત્રણ મહિનામાં બીજી વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં ૪-૨ની બહુમતિથી વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હોવાનું આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસે જણાવ્યું હતું.
આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસે ત્રણ દિવસની મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ ગુરુવારે રેપો રેટમાં ઘટાડાની જાહેરાત કરી હતી. આ સાથે જ રેપો રેટ ઘટીને ૬ ટકા થયો છે. આરબીઆઈએ પોલિસીનું સ્ટેન્ડ ‘ન્યુટ્રલ’ રાખ્યું હતું. શક્તિકાંત દાસે અગાઉ ફેબ્રુઆરીમાં રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો હતો. દેશમાં લોકસભાની ચૂંટણીને પગલે આ બેઠક બાદ આરબીઆઈ દ્વારા રેટ કટની બજાર વર્ગને અપેક્ષા હતી. અપેક્ષા મુજબ જ ટૂંકા ગાળાના વ્યાજ દરમાં ઘટાડો કરાયો છે. આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં કરાયેલો ઘટાડો હવે બેંકો ગ્રાહકો સુધી કેવી રીતે અને કેટલો પહોંચાડે છે તેને આધારે લોનના વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે.
આરબીઆઈએ ૨૦૧૮-૧૯ માટેનો વૃદ્ધિ દર અંદાજ અગાઉના ૭.૪ ટકાથી ઘટાડીને ૭.૨ ટકા રહેવાની આગાહી કરી છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે, મધ્યમ ગાળામાં ફુગાવાનો ચાર ટકાનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે તેમજ અર્થતંત્રમાં વૃદ્ધિને સમર્થન હેતુ વ્યાજ દરમાં ઘટાડો કરાયો છે. સ્થાનિક અર્થતંત્ર પર વૈશ્વિક ડામાડોળ સ્થિતિની અસર જોવા મળી રહી છે. ખાનગી રોકાણને પ્રોત્સાહન આપીને અર્થતંત્રમાં વૃદ્ધિનો સંચાર આવશ્યક જણાય છે.
નાણાકીય ખાધ અંગે આરબીઆઈએ જણાવ્યું કે, કેટલાક રાજ્યો દ્વારા ખેડૂતોને દેવા માફ કરાતા, ઊંચા ટેકાના ભાવ, કરવેરાની આવકમાં ઘટાડો વગેરે કારણોથી નાણાકીય ખાધ પર દબાણ જોવા મળે છે.
વૈશ્વિક સ્તરે ક્રૂના વધતા ભાવ અને આંતરાષ્ટ્રીય બજારમાં અસ્થિરતા ફુગાવાને ભડકાવી શકે છે તેમ આરબીઆઈએ નિવેદનમાં જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ ૭ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ મુખ્ય નીતિગત વ્યાજદર રેપો રેટને ૦.૨૫ ટકા ઘટાડીને ૬.૨૫ ટકા કર્યો હતો. ૧૮ મહિનાના સમયગાળા બાદ રેપો રેટમાં ઘટાડો કરાયો હતો. હવે ફરીથી રેપો રેટમાં ઘટાડો કરવાથી ચૂંટણીના સમયે લોન લેનારાઓને રાહત મળશે.