રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે રાજ્યના મોટાભાગના જિલ્લાની પ્રાથમિક શાળાઓ સવાર પાળીમાં ચલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. ગરમીના ફેક્ટરના લીધે શાળાઓ વહેલી સવારે શરૂ કરવાનું નક્કી કરાયું છે અને તેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. સ્કૂલમાં વેકેશન બાદ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે ત્યાર પછી પણ શાળાઓ સવાર પાળીમાં ચાલુ રાખવામાં આવી શકે છે. હાલમાં જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓ સવાર પાળી અને બપોર પાળી એમ બંને પાળીમાં ચાલે છે. જોકે, ગરમીના પગલે હવે શાળાઓ સવાર પાળીમાં જ ચાલશે. પારો દિવસે દિવસેને ઊંચો જઈ રહ્યો છે અને સમગ્ર રાજ્યમાં હીટવેવ છે ત્યારે બપોર પાળીમાં ચાલતી સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરી પાંખી જોવા મળી રહી છે. રાજ્યના ઘણા જિલ્લાની શાળાઓ બપોરે ૧૦-૫૦થી ૫-૧૫ વાગ્યા સુધી ચાલતી હોવાથી ઉનાળા દરમિયાન શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી પડતી હોવાથી સ્કૂલના સમયમાં ફેરફાર કરવામાં આવે તો વિદ્યાર્થીઓને રાહત મળે તેમ હોવાનું જણાતા સમયમાં ફેરફાર કરવાનું નક્કી કરાયું હતું. જેના પગલે રાજ્યના વિવિધ જિલ્લાઓની બપોર પાળીની શાળાઓ સવાર પાળીમાં ચલાવવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં બપોર પાળીમાં જે શાળાઓ ચાલે છે તે હવે સવાર પાળીમાં ચાલશે અને સ્કૂલનો સમય સવારે ૭-૧૦થી ૧૨-૩૦ વાગ્યા સુધીનો રહેશે.