આગામી એપ્રિલ મહિનામાં ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી યોજાવા જઈ રહી છે. હાલ આ ચારેય બેઠકો ભાજપના કબજામાં છે. પરંતુ તાજેતરમાં યોજાયેલી વિધાન સભાની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ ઘટી જતાં ભાજપને આ ચાર બેઠકો મેળવવી અઘરી બનશે. ભાજપના હાલના સંખ્યાબળ ૯૯ને જોતાં ભાજપ રાજ્યસભાની બે બેઠકો પર જ જીતી શકે તેમ છે. જ્યારે હાલની રાજ્યસભાની ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકોના સભ્યો કેન્દ્રમાં મંત્રીપદે છે. તેથી આગામી ચૂંટણીમાં ભાજપે આ ત્રણ મંત્રીઓમાંથી એકને ઘર ભેગા કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૧૮૨ બેઠકોમાંથી ૯૯ બેઠકો સાથે પાતળી બહુમતી મળી છે. ત્યારે ગુજરાતમાં ભાજપ સરકાર માટે ભારે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. ખાસ કરીને એપ્રિલ મહિનામાં ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો અરૂણ જેટલી, પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને શંકર વેગડની મુદ્દત પૂરી થતી હોવાથી ચૂંટણી યોજાવવાની છે. રાજ્યસભાની તમામ ચાર બેઠકો હાલ ભાજપ હસ્તક છે. એમાંથી અરૂણ જેટલી, રૂપાલા અને માંડવિયા ત્રણેય કેન્દ્રીય મંત્રી તરીકેની ફરજ બજાવી રહ્યાં છે.ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનું ગણિત જોતાં અને ધારાસભ્યોનું સંખ્યાબળ જોતાં ભાજપ માત્ર બે બેઠકો પર જીતી શકે તેમ છે. આ સંજોગોમાં ભાજપના હાઇકમાન્ડ માટે પણ કપરી સ્થિતિ ઊભી થઇ શકે છે. કેમ કે, ત્રણેય કેન્દ્રીય મંત્રીમાંથી કયા મંત્રીને પડતાં મૂકવા અથવા તો અન્ય રાજ્યમાંથી રાજ્ય સભાની ચૂંટણી લડાવી મંત્રીપદે ચાલુ રાખવા. ત્રણ મંત્રીઓ પૈકી પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા ગુજરાતના સ્થાનિક છે, જ્યારે અરૂણ જેટલી બહારના ઉમેદવાર તરીકે રાજ્યસભાની ચૂંટણી ગુજરાતમાંથી લડેલા છે.