અમીરગઢ પંથકમાં આ વર્ષે વરસાદ નહિવત પ્રમાણમાં વરસતાં ઉનાળામાં પાણીની સમસ્યા થવાના એંધાણો તે સમયે જ વર્તાઈ રહ્યા હતા. જ્યારે હાલમાં ઉનાળાની શરૃઆત જ થઈ છે ત્યાં તો અમીરગઢમાં પાણીના વલખા પડી રહ્યા છે. અમીરગઢમાં ગ્રામ પંચાયતના કુવામાં પણ પાણી ઓસરવાનો સિલસીલો હાલથી જ શરૃ થતાં કુવામાં પાણીનુ તળ બેસી જવા પુરતા પ્રમાણમાં પાણી મળતું નથી. માટે આ વિકટ સમસ્યાના નિવારણ માટે અમીરગઢ પંચાયત દ્વારા જે વોર્ડમાં પાણી પહોંચતુ નથી તેવા વિસ્તારમાં ટેન્કરો શરૃ કરી દીધા છે. બનાસનદીના કાંઠા પર વસેલ અમીરગઢમાં પાણી સુકાઈ રહ્યું છે તો અન્ય ડુંગરાળ વિસ્તારમાં પાણીની કલ્પના કરવી પણ વ્યર્થ કહી શકાય.
જો પંચાયતનું પાણી ન મળે તો નગરવાસીઓ પાસે પાણીનો કોઈ અન્ય વિકલ્પ રહેતો જ નથી. કારણકે અમીરગઢમાં એકપણ જાહેર હેડપંપની સુવિધા પણ નથી. માટે લોકો માત્ર પંચાયતના નળ પર સવારતી જ મીટ માંડી રહ્યા છે. આમતો અમીરગઢના દિવસના ત્રણ વાર પાણી આપવામાં આવે છે પરંતુ પંચાયતના કુવામાં પાણી ઓછુ થતાં તંત્ર પણ લાચાર છે. અમીરગઢના પોષક આહારમાં હમણા નવો કુવો બનાવવામાં આવેલ છે માટે બંને કુવાનુ પાણી હાલમાં લોકોને આપવામાં આવી રહ્યું છે છતાંપણ ઉંચાણવાળા વિસ્તારોમાં પાણી ન મળતાં ટેન્કર મારફતે લોકો સુધી પાણી આપવામાં આવે છે. જેમાં પાણી ભરવા માટે પણ તડામારી થઈ રહી છે. અને ઘણીવાર બેડાયુદ્ધ પણ સર્જાય છે. માટે આગામી દિવસોમાં આ સમસ્યા ભયંકર રૃપ ધારણ કરે તે પૂર્વે આ વિષય પર તંત્ર દ્વારા વધુ ધ્યાન કેન્દ્રિત કરવા જેવું છે.