પાટણ શહેરની મધ્યમાં આવેલી સરકારી હોસ્પિટલના પ્રથમ માળે લેબોટરી વિભાગની પાછળના ભાગે રજીસ્ટ્રી શાખાની બાજુમાં બુધવારની સવારે જર્જરિત બનેલી છતની દિવાલ ધરાશાયી થતા નીચે બેઠેલા પાંચ જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ થઇ હતી. પાટણ શહેરની સરકારી હોસ્પિટલની છીનવાયેલી તબીબી સુવિધાઓ કાર્યરત બનાવવા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ લાલેશ ઠક્કર દ્વારા સહી ઝુંબેશ આંદોલન હાથ ધરી સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા કેટલાક દર્દીઓ હોસ્પિટલના પ્રથમ માળે લેબોરેટરી કરાવવા માટે ગયા ત્યારે લેબોરેટરીના રિપોર્ટની વાર હોય જેને લઇ તેઓ પાછળના ભાગે આવેલા રજીસ્ટ્રી શાખાની પાસે બેઠા હતા તે સમયે જર્જરિત બનેલી છતની દિવાલ અચાનક ધરાશાયી થતા નીચે બેઠેલા દર્દીઓ પૈકી પાંચ જેટલા દર્દીઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જે પૈકીના કેટલાક દર્દીઓને સારવાર અર્થે ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલની છતની દીવાલ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.