PSIનો પુત્ર ૨૮ લાખના દારૂ સહિત પકડાયો

744

સ્ટેટ મોનીટરીંગ સેલે નાના ચિલોડા સર્કલથી મોટા ચિલોડા તરફ જતા રોડ પર ટ્રકમાંથી ૨૮ લાખના દારૂ સાથે ૪૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દારૂના જથ્થા સાથે બે લોકોને ઝડપી કુલ ૧૧ લોકો સામે ગુનો નોંધાવ્યો છેે. દારૂ સાથે ઝડપાયેલા અમદાવાદના એક શખ્સના પિતા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ છે.

સ્ટેટ મોનીટરીંગ સેલને ગુરૂવારે રાત્રે બાતમી મળી હતી કે, ટ્રક નંબર RJ-27-GB-2028માં ઉદેપુરથી પાવડરની આડમાં વિદેશી દારૂનો જથ્થો નીકળ્યો છે, જે અમદાવાદ ખાતે લઈ જવાઈ રહ્યો છે. જેના આધારે રાત્રે ૧૧ઃ૫૫ કલાકે ટ્રકને નાના ચિલોડા નજીક ઝડપી પાડ્‌યો હતો. સ્ટેટ વિજિલન્સે ટ્રક ચેક કરતાં પથ્થરના પાઉડરની થેલીઓની આડમાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.

દારૂનો જથ્થા સાથે ડ્રાઈવર ઉદયલાલ વેલીરામજી રેગર (રહે-ચંગેડી, માલવી, રાજસ્થાન) તથા બાજુમાં બેઠેલો શખ્સ લલીત મુલચંદભાઈ જાદવ (રહે-બ્લોક નં- બી૩૦૬, રામકુટીર ફ્‌લેટ, કૃષ્ણનગર, અમદાવાદ)નો સમાવેશ થાય છે. આ રીતે દારૂના આ કેસમા પોલીસે કુલ ૧૧ લોકો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરતા ભારે ચકચાર મચી જવા પામી છે.

પોલીસે કરેલી રેડમા વાહન સહિત ઝડપાયેલો મુદામાલમાં વિદેશી દારૂ : ૭૧૦૮ બોટલો કિંમત : ૨૮,૨૨,૯૭૫, ટ્રક નં- RJ-27-GB-2028 કિંમત-૧૫ લાખ, બે મોબાઈલ : કિંમત- ૫,૫૦૦, રોકડા રૂપિયાઃ ૧૨,૮૯૦, પથ્થરના પાઉડરની ૨૨૫ થેલી : કિંમત ૩૭,૩૫૦ મળી કુલ રૂ. ૪૩,૭૮,૭૧૫ સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ ભરેલા ટ્રકને નાના ચિલોડા નજીક ઝડપી પાડ્‌યો હતો.

વહેલી સવારે ૫ વાગ્યે યુવકની પત્નીએ ‘તમે તો કડી જવાના હતા શિહોલી શું કરવા જતાં હતા’ કહ્યું હતું. તેની થોડીવારમાં તેના પિતાનો ફોન આવતા ‘તું વડોદરા જવાનું કહીંને ડભોડા શું કામ ગયેલ છે’ કહ્યું હતું. લલીતે પહેલાં શિહોલી મામાના ઘરેથી નીકળ્યા બાદ ચિલોડા બાઈક પંચર પડ્‌યું હોવાનું કહ્યું હતું. બીજી વખત શિહોલીના મિત્રો ચિલોડા સર્કલે મુકી ગયા હોવાનું કહ્યું હતું. તેના નિવેદનોના પગલે પોલીસને તેની ભૂમિકા શંકાસ્પદ લાગી હતી.

ટ્રકમાં બેઠેલા લલીતને જ્યારે પોલીસે પકડ્‌યો ત્યારે પોતે પેસેન્જર તરીકે બેઠો હોવાનું કહ્યું હતું. તેણે તેના પિતા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ હોવાનુ જણાવ્યુહતું. મુદ્દામાલની ગણતરી અને ફરિયાદ અંગેની કામગીરી સવારે સાડા છ વાગ્યા સુધી ચાલી હતી.

Previous articleપાટણ સિવિલ હોસ્પિટલમાં છતની દીવાલ ધરાશાયી થતાં પાંચ દર્દી ઘવાયા
Next articleમહાનગર પાલિકા દ્વારા જાહેરમાં કચરો સળગાવનાર સામે કડક હાથે પગલાં ભરાશે