મહાનગર પાલિકા દ્વારા જાહેરમાં કચરો સળગાવનાર સામે કડક હાથે પગલાં ભરાશે

614

ગાંધીનગર મહાપાલિકાએ છેલ્લા ત્રણ વર્ષમાં શહેરમાં સફાઇની વ્યવસ્થા ગોઠવી દીધી છે. આમ છતાં પાટનગરવાસીઓ મહાપાલિકા ન હતી અને જ્યારે સફાઇ વેરો પણ ભરવાનો થતો ન હતો તે દિવસોને યાદ કરવા મજબુર બની જાય છે. કેમ કે હવે માત્ર ડમ્પિંગ સાઇટ સળગતી હોય તેવી વાત રહી નથીશહેરમાં પાંદડાના ઢગલા કરીને તેને સળગાવી મારવાના દશ્ય આમ બની ગયાં છે. પાનખરની મોસમમાં આવા બનાવ વધારે બને છે. કેમ કે સફાઇ કામદારે એકત્ર કરેલા પાંદડાના ઢગલા સમયસર ઉઠાવાતા નથી. ત્યારે મહાપાલિકા દ્વારા કચરો સળગાવનારા તત્વોને પકડવા સેનેટરી ઇન્સપેક્ટરોને રાઉન્ડમાં ઉતારાશે.

શહેરના પૂર્વ અનેપશ્ચિમ વિભાગના મુખ્ય માર્ગોની સફાઇનું કામ કરવા માટે ઇજારા આપવામાં આવેલા છે. ઇજારાદારને સોંપાયેલી આ કામગીરીમાં માત્ર રસ્તા નહીં પરંતુ ફૂટપાથ, કાર્પેટ એરિયા, ડિવાઇડર અને સોલ્ડર સહિતની સફાઇ કરવાની અને આસપાસના મર્યાદિત વન વિસ્તારમાંથી પ્લાસ્ટિકના કચરા સહિતનો કચરો ઉપાડી લેવાની કામગીરી કરવાની થાય છે. સાથે જ એકત્ર થયેલો કચરો ઇજારાદારે પોતાના વાહનો દ્વારા મહાપાલિકા સુચવે તે સ્થળે નિકાલ કરવાનું ફરજિયાત કરાયું છે.

એજન્સી સાથે પુરતા સફાઇ કામદાર અને સુપરવાઇઝરને સતત કામ પર રાખવાની પણ શરત રખાઇ છે, તેમ છતાં દેશની સર્વોચ્ચ અદાલતના જાહેરમા કચરો નહીં બાળવાના આદેશનું રાજ્યના પાટનગરમાં જ રોજે રોજ ઉલ્લંઘન થતું રહે છે. તેની સામે મહાપાલિકા તરફથી કોઇ ખાસ તપાસ કરવામાં આવતી નથી કે દાખલારૂપ પગલા પણ લેવામાં આવતા નથી. પરંતુ હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેરમાં કચરો સળગાવનારા સફાઇ કામદાર સહિત નગરવાસીને પકડવા અને દંડ ફટકારવા તાકીદ કરવામાં આવી છે.

સુકા પાંદડા સળગવાની સાથે જમીન પર લાગતી આગને કારણે આસપાસના વૃક્ષોના થડ સળગવાથી અને ઘણા કિસ્સામાં આગની ગરમી લાગી જવાથી સાજા સારા વૃક્ષો મરી જતાં હોવાના બનાવોના પગલે પાંદડાનો કચરો સળગાવનારા તત્વોને પકડવા વન વિભાગના કર્મચારીઓને પણ વોચમાં રાખવામાં આવશે.

Previous articlePSIનો પુત્ર ૨૮ લાખના દારૂ સહિત પકડાયો
Next articleધો.-૯ની વિદ્યાર્થી પરીક્ષાના ડરથી ભાગી ગઈ : પોલીસે પરત સોંપી