વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે. ઉત્તર પ્રદેશના અમરોહા-સહારનપુર અને દહેરાદૂનમાં નરેન્દ્ર મોદી એક જનસભાને સંબોધી હતી. જેમાં તેમને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતાં. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસના નરમ વલણના કારણે જ આજે આતંકીઓનો જુસ્સો વધ્યો છે. મોદી આતંકને વોટ બેંકમાં તોલતો નથી, આતંકના તમામ મદદગારો આજે જેલોમાં બંધ પડ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અહીં તો બોટી-બોટી વાળા લોકો મેદાનમાં છે, જ્યારે અમે ‘બેટી’ની વાત કરીએ છીએ. જો આ લોકો સત્તામાં આવ્યા તો મુસ્લિમ દીકરીઓના અધિકારમાં લાવેલ ટ્રિપલ તલાક બિલને કાયદાકીય મંજૂરી નહીં અપાવે. ૧૧મી એપ્રિલે બીજેપીને આપવામાં આવેલ તમારો એક-એક વોટ મહિલાઓને સુરક્ષા આપશે, સેનાને મજબૂત કરશે અને યુવાનોને રોજગાર આપશે. મોદીએ કહ્યું કે, કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર એક્સિલેટર અને વિકાસ વેન્ટિલેટર પર રહે છે. કોંગ્રેસ દરરોજ ભ્રષ્ટાચાર કરે છે. ભ્રષ્ટાચાર અને કોંગ્રેસનો અતુટ સંબંધ છે. આ એવી જુગલબંધી છે, જે છૂટી પડી શકે એમ નથી. ભ્રષ્ટાચારને કોંગ્રેસ જોઈએ છે અને કોંગ્રેસને ભ્રષ્ટાચાર. કોંગ્રેસમાં એક પ્રકારની સ્પર્ધા મચેલી હોય છે કે કોણ વધુ ભ્રષ્ટાચાર કરે.
વડાપ્રધાને પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું કે, ૫ વર્ષોમાં તમે જે રીતે આ ચોકીદારનો સાથ આપ્યો તેના માટે હું ખુબ જ વિનમ્રતાથી શીશ ઝૂકાવીને તમને નમન કરું છું.
છેલ્લા કેટલાક દિવસોથી મેં દેશના ચારે ખુણા અને દરેક દિશાની મુલાકાત લીધી. પૂર્ણ બહુમતવાળી સરકાર માટે તમારા વિકાસ માટે કામ કરનારી સરકાર માટે દેશભરમાં જે લહેર ચાલી રહી છે તે આજે અમરોહામાં પણ જોવા મળી રહી છે.
અહીં તેઓ સંયુક્ત આરબ અમીરાત દ્વારા તેમને અપાયેલા સર્વોચ્ચ સન્માન ઝાયેદ મેડલનો પણ ઉલ્લેખ કરવાનું ચુક્યા નહોતા. તેમણે કહ્યું હતું કે, તમારા આ સેવકને યુએઈએ સર્વોચ્ચ સન્માન આપ્યું છે. આ સન્માન મારું નહીં પરંતુ તમારા બધાનું અને ખાડી દેશોમાં કામ કરતા કરોડો ભારતીયોનું છે.
વડાપ્રધાને કહ્યું હતું કે, વોટબેંકના રાજકારણે દેશનું ખુબ નુકસાન થયું છે. પશ્ચિમી યુપીમાં અગાઉ ગુંડાગીરી, કાયદા વ્યવસ્થાની શું સ્થિતિ હતી? સમાજવાદી પાર્ટીની સરકારના સમયે અપરાધીઓને ખુલ્લી છૂટ મળી હતી. આજે ભાજપની સરકારમાં તેના પર નિયંત્રણ આવ્યું છે. તમારા આ ચોકીદારે લાલ બત્તી ઉતરાવી અને ગરીબોના ઘરમાં બત્તી જલાવી. મોટા મોટા લોકોની લાલ બત્તી જતી રહી અને ગરીબોના ઘરમાં વીજળી આવી ગઈ.
તેમણે કોંગ્રેસ પર બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસે તેમનો ફોટો સંસદમાં ના લગાવવા દીધો. ફક્ત એક પરિવારની ઓળખ જાળવી રાખવા માટે, પ્રતિષ્ઠા માટે, એક પરિવારના સ્વાર્થની સિદ્ધિ માટે કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકરનું પણ અપમાન કર્યું. બાબા સાહેબને કોંગ્રેસે ચૂંટણીમાં ઉપર રહીને હરાવ્યાં હતાં. દેશ પ્રત્યે બાબાસાહેબને યોગદાનને ભૂલવાનું ષડયંત્ર રચ્યું હતું. બાબાસાહેબે તે પરિવારને પડકાર ફેંક્યો હતો, આથી ત્યારબાદની પેઢીઓએ પણ બાબાસાહેબ સાથે હંમેશા બદલો જ લીધો. આજે વોટબેંકની મજબુરી છે એટલે કોંગ્રેસ બાબા સાહેબનું નામ લે છે. નહીં તો આ એ જ કોંગ્રેસ છે જેણે દાયકાઓ સુધી તેમનો ફોટો પણ સંસદમાં લાગવા દીધો નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર હુમલા કરતા કહ્યું કે, આતંકીઓને તેમની જ ભાષામાં જવાબ આપવો એ આપણા દેશના જ કેટલાક લોકોને પરેશાન કરે છે. જ્યારે ભારત ઘરમાં ઘૂસીને દુશ્મનોને મારે છે ત્યારે હિન્દુસ્તાનમાં જ કેટલાક લોકોને રડવું આવે છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટીનું વલણ આતંક પર નરમ છે જેના કારણે કેટલાક લોકોનો જુસ્સો બુલંદ છે. આ પક્ષોએ ફક્ત આતંકને મદદ નથી કરી પરંતુ તેમણે તમારા જીવન અને અસ્તિત્વને પણ સંકટમાં નાખ્યા છે.