સુપ્રિમ કોર્ટે આજે ગુર્જરો અને અન્ય ચાર સમુદાય માટે પાંચ ટકા ક્વોટાને અમલી કરવાના રાજસ્થાન સરકારના નિર્ણય પર સ્ટે મુકવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. આની સાથે જ રાજસ્થાન સરકારને આંશિક રાહત થઈ હતી. આ અંગે રાજસ્થાનમાં વરિષ્ઠ કોંગ્રેસી નેતા સચિન પાયલોટે હકારાત્મક પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટના નિર્ણયનું તેઓ સ્વાગત કરે છે. સીજેઆઈ રંજન ગોગોઈના નેતૃત્વમાં બેચે આ મુદ્દામાં દરમિયાનગીરી કરવાનો ઈનકાર કર્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રાજ્ય સરકારે ગુર્જર અને અન્ય ચાર સમુદાયને નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં પાંચ ટકા ક્વોટા આપવા વિધાનસભામાં રજુ કરવામાં આવેલા બિલને લઈને આ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સરકારે વિધાનસભામાં બિલ રજુ કર્યું હતું. નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં પાંચ ટકા અનામત માટેની માંગણીને લઈને ગુર્જરો આંદોલન કરી રહ્યા હતા. ગુર્જર નેતા કિરોડીસિંહ અને તેમના સમર્થકો સવાઈમાધોપુર જિલ્લામાં રેલવે ટ્રેક ઉપર નાકાબંધીમાં ઉતરી ગયા હતા. હાઈવે ઉપર દેખાવ કરવામાં આવ્યા હતા. ગુર્જર સમુદાયના લોકોએ સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં ક્વોટાની માંગ કરી હતી. રાજસ્થાન સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણયને લઈને કેટલીક સંસ્થાઓ અને વિરોધ પક્ષોએ વિરોધ કરીને આની સામે વાંધો ઉઠાવ્યો હતો.
આ સંદર્ભમાં રાજસ્થાન સરકારના નિર્ણય પર સ્ટે મુકવાની માંગ કરીને સુપ્રિમ કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી. આજે સુપ્રિમ કોર્ટે સ્ટે મુકવાની માંગ કરતી અરજીને ફગાવી દેતા રાજસ્થાન સરકારને એકબાજુ રાહત થઈ છે. સુપ્રિમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે તે આ મામલામાં દરમિયાનગીરી કરશે નહીં. રાજ્ય સરકારે પાંચ ટકા અનામતનો નિર્ણય લીધો હતો.