જો કોંગીની સરકાર આવશે તો ગરીબને વર્ષે ૭૨ હજાર મળશે

589

લોકસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ આજે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ૧૦ દિવસ સુધી ગુજરાતના પ્રવાસે છે. હવે તેઓ દરેક બેઠક દીઠ નિરીક્ષણ કરશે. આજે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે લોકસભા ચૂંટણીને લઇ ગુજરાતમાં કોંગ્રેસનો મેનિફેસ્ટો(ચૂંટણી ઢંઢેરો) જાહેર કર્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસના મેનિફેસ્ટો જાહેર કરવા માટે રાજીવ સાતવે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રસંગે અમિત ચાવડા સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસની સરકાર આવી તો, ગરીબોને વર્ષે રૂ.૭૨ હજાર આપવાની, ધો-૧થી ૧૨ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની, શિક્ષણની જેમ આરોગ્ય માટે પણ અલગ કાયદો લાવવાની અને એક વર્ષમાં ૨૪ લાખ યુવાનોને સરકારી નોકરી આપવા સહિતની મોટી જાહેરાતો કરવામાં આવી હતી. સાતવે જણાવ્યું હતું કે, કોંગ્રેસના મેનિફેસ્ટોમાં હકીકતલક્ષી વાત કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસના મેનિફેસ્ટોને અમે નિભાવીશુંના નામથી જાહેર કરવામાં આવ્યો છે. સાતવે મેનિફેસ્ટોની વાત કરતા જણાવ્યું હતું કે, જો અમારી સરકાર કેન્દ્રમાં બની તો અમે ગરીબોને વર્ષે રૂપિયા ૭૨ હજાર આપીશું. ગુજરાતના ૪૦ લાખ બીપીએલ પરિવારોને પણ સહાય આપવામાં આવશે.  યુવાનોને રોજગારી આપવાનો અમે સંકલ્પ કરીએ છીએ. રાજ્યમાં બેરોજગારીનો ગ્રાફ નીચે ઉતારવા બનતા તમામ પ્રયત્નો કરવામાં આવશે. સાતવે કહ્યું કે, મેનિફેસ્ટોમાં કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે અલગ બજેટ લાવશે. જો અમારી સરકાર બની તો ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે. શિક્ષણને લઇને વાત કરતા રાજીવ સાતવે જણાવ્યું હતું કે, ધો.૧થી ૧૨ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે. શિક્ષણની જેમ આરોગ્ય અંગે પણ અલગ કાયદો બનાવીશું. દેશના તમામ લોકોને મફત આરોગ્ય સેવા મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે. ગુજરાતમાં મેનિફેસ્ટો જાહેર કર્યા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે, દેશની પ્રજાના અવાજને સંકલિત કરીને કોંગ્રેસ પક્ષે ચૂંટણી ઢંઢેરાના રૂપે સંકલ્પ વ્યક્ત કર્યો છે. ખોટા વાયદા અને વચનો કે સપના નથી બતાવ્યા અમે હકીકતલક્ષી વાત કરી છે. ગરીબોને વર્ષે ૭૨ હજાર રૂપિયા આપવાની વાત કરી છે, તો તે કોંગ્રેસ પાર્ટી નિભાવશે. ગુજરાતના ૪૦ લાખ બીપીએલ પરિવારોને રૂ. ૭૨ હજારની સહાય મળશે સાથે યુવાનોને પણ રોજગારી આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમને મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોને મોદી સરકારે વાયદા કરીને સપના બતાવ્યા હતા. પરંતુ કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે અલગ બજેટ લાવશે. ખેડૂતોના દેવા માફ કરશે. શિક્ષણમાં પણ ધોરણ-૧ થી ૧૨ સુધી મફત અને ફરજીયાત શિક્ષણ આપવાનો સંકલ્પ કોંગ્રેસે વ્યક્ત કર્યો છે. શિક્ષણની જેમ આરોગ્ય અંગે પણ કોંગ્રેસ સરકાર કાયદો બનાવશે. દેશના તમામ લોકોને મફત આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવશે. તેમને કહ્યું કે, રાહુલ ગાંધી જે કહે છે તે કરીને બતાવે છે. બાજપે ખેડૂતોને માત્ર વચનો આપ્યા છે અને ઉલ્ટાનું લોન ભરી નહી શકનારા ખેડૂતો પર ક્રિમીનલ કેસ કર્યા છે. કોંગ્રેસ સત્તા પર આવશે તો, નીતિ આયોગ બંધ કરશે કારણ કે, નીતિ આયોગ એ માત્ર આંકડાની માયાજાળ છે અને પ્લાનીંગ કમીશન તરફ આગળ વધીશું.

Previous articleઓગસ્ટા કાંડ : ઈડી ચાર્જશીટમાં ફેમિલી-એપીની સંડોવણી દેખાઈ
Next articleસુરત : અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ્દ થતાં કલેક્ટર કચેરીમાં આપઘાતનો પ્રયાસ