મહેસાણા લોકસભા બેઠકના મહિલા ઉમેદવારનું ફોર્મ ભરવા સમયે ભાજપના પ્રદેશ અધ્યક્ષે ખેસ પહેરતા નવા વિવાદનો જન્મ થયો છે. આદર્શ આચાર સંહિતા માટે નવા નિયમો બનાવતા મહેસાણાના ચુંટણી અધિકારીને આ કેમ ન દેખાયુ? આ મામલે કોંગ્રેસે ફોટા સાથે રાજ્યના ચુંટણી કમિશ્નરને ફરિયાદ કરી કડક પગલાં ભરવાની માંગ કરી છે.
મહેસાણા શહેર કોંગી પ્રમુખ ભૌતિક ભટ્ટે રાજ્યના ચુંટણી કમિશ્નરને કરેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં સુલેહ, શાંતિ અને સલામતીના એખલાસ ભર્યા વાતાવરણમાં સશક્ત લોકશાહીને ટકાવી રાખવા માટે કેન્દ્રીય ચુંટણીપંચ દ્વારા કેટલાક સખત અને કડક નિયમો બનાવ્યા છે.
આ ચુંટણીપંચ દ્વારા બનાવાયેલ નિયમોને તોડવા તે એક પ્રકારના કાયદાકીય સજાને પાત્ર બને છે. આવા કાયદાનો ભંગ મહેસાણા જિલ્લા ચુંટણી અધિકારી સમક્ષ તેઓની કચેરીમાં જોવા મળ્યો તેમછતાં આદર્શ આચાર સંહિતાને જાળવી રાખવાના કોઈ પગલાં મહેસાણા જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા ભરાયેલ નથી કે આ બાબત તેઓની સામે હોવાછતાં નજર નહિ પહોંચેલ હોવાનું માની શકાય છે.
મહેસાણા ખાતે ચુંટણી આચાર સંહિતાનો જે ભંગ નજર સામે જે જોવા મળ્યો છે તેમાં ગત તા.૪ના રોજ મહેસાણા લોકસભાના ભારતીય જનતાપાર્ટીન ાઉમેદવાર તરીકે શારદાબેન અનિલભાઈ પટેલ પોતાનું નામાંકન ફોર્મ ભરવા જિલ્લા ચુંટણી અધિકારીના કાર્યાલય ખાતે ગયેલા હતા ત્યારે તેઓની સાથે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી કમળનો ખેસ પહેરીને ચુંટણી અધિકારી સમક્ષ બેઠેલા હતા. આમ સરકારી કચેરીઓ કે કેટલીક જગ્યાઓ ઉપર કોઈપણ પક્ષના સિમ્બોલ સાથે પ્રવેશવુ તે આદર્શ ચુંટણી આચાર સંહિતાના ભંગ સમાન બને છે અને તે ચુંટણી આચાર સંહિતાના કાયદા મુજબ સજા-દંડને પાત્ર ઠરી શકે છે.
આ બાબતે અરજને સ્વીકારીને મહેસાણા જિલ્લા ચુંટણી અધિકારીના કાર્યાલયના સીસીટીવી ફુટેજ જોશો તો આ સમગ્ર બાબત આપની નજર સમક્ષ આવી જશે. તેમાં અમારે કોઈ સાબિતી આપવાની જરૃરત જણાતી નથી. તેથી આ બાબતે યોગ્ય ઘટતું કરી આદર્શ ચુંટણી આચાર સંહિતાના ભંગ બદલ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સામે યોગ્ય શિક્ષાત્મક પગલાં ભરો તેવી અમારી માંગ છે.