લકઝરી બસના ચેસિસ-એન્જિન નંબર બદલવાના રાજ્યવ્યાપી રેકેટનો પર્દોફાશ કરવા બદલે રૂપિયા ૩૧ લાખનો વહીવટ કરનાર પીઆઇ એન.ડી.ચૌધરી સહિત ચાર વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ઉપરાંત ચારેયને પોલીસ કમિશ્નર દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
કામરેજ નજીકના વાલક ખાતે સ્ટાર ઓટો ગેરેજ ધરાવતા ઇર્શાદ પઠાણ લકઝરી બસના ચેસિસ અને એન્જિન નંબર બદલવામાં માસ્ટરમાઇન્ડ છે. આરટીઓનો લાખોનો ટેક્ષ ચોરી કરવા તે છેલ્લા ઘણા સમયથી આ કૌભાંડ ચલાવતો હતો. સરથાણા પોલીસ સુધી આ પ્રકરણ પહોંચ્યું હતું. જો કે, આ સમગ્ર પ્રકરણમાં કાર્યવાહી કરવાના બદલે સરથાણા પીઆઇ એન.ડી.ચૌધરી, પીએસઆઇ તથા બે કોન્સ્ટેબલો દ્વારા ગેરેજવાળા ઇશાર્દને ત્યાં મોડા રાત્રે પહોંચી ગયા હતા. જ્યાં તેઓને ૩૦૦ જેટલી ડુપ્લીકેટ આરસીબુક, એક સરખી નંબર પ્લેટ મળી આવી હતી.
બાદમાં પીઆઇ દ્વારા આ પ્રકરણ પર પડદો નાખવા રૂપિયા ૧ કરોડની માગ કરાઇ હતી. જોકે બાદમાં વાતાઘાટો કરી રૂપિયા ૩૧ લાખનો તોડ કરી દેવામાં આવ્યો હતો. આ વાત પોલીસ કમિશ્નર સુધી પહોંચી હતી.
જેથી આ તમામ ઘટનામાં પોલીસ કમિશ્નર દ્વારા ગુપ્ત તપાસ કરવામાં આદેશ આપ્યો હતો. તપાસ દરમિયાન એસીપી સી.કે.પટેલ દ્વારા પીઆઇનો ભાંડો ફોડી નાખવામાં આવ્યો હતો.
એસીપીના રિપોર્ટના આધારે સરથાણા પોલીસ મથકમાં પીઆઇ એન.ડી.ચૌધરી, પીએસઆઇ હાથીસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ ગોપાલ ભરવાડ તથા ભગુ ભરવાડ વિરૂદ્ધ ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધતાની સાથે જ પોલીસ કમિશ્નર સતીષ શર્મા દ્વારા તાત્કાલિક ધોરણે ચારેયને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા.
હવે જોવાનુંએ રહ્યું કે, ઉપરી અધિકારી દ્વારા પીઆઇની ક્યારે ધરપકડ કરવામાં આવે છે.