ભાજપના સ્થાપના દિવસની સમગ્ર ભારતમાં ઉજવણી વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં બે તબક્કામાં ભવ્ય રોડ શો કરીને લોકસંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો. ધર્મગુરુઓ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ અમિત શાહનું અભિવાદન કરીને વિજય ભવના આશીર્વાદ આપ્યા હતા. અમિત શાહે જહાં હુએ બલિદાન મુખરજી, વો કાશ્મીર હમારા હૈ, જો કાશ્મીર હમારા હૈ વો સારા કા સારા હૈના બુલંદ નારા સાથે ભવ્ય રોડ શોનો પ્રારંભ કરાવ્યો હતો. ભારત માતા કી જય અને વંદેમાતરમના નામથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિમય બન્યું હતું. અમિત શાહનું અભિવાદન કરવા માટે લોકો સ્વયંભુ ઉમટી પડ્યા હતા. રોડ શોમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ, ધારાસભ્યો સહિત વિવિધ સમાજના આગેવાનો અને હજારોની સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ભવ્ય રોડ શો હેઠળ લોકસંપર્કની શરૂઆત સવારે નવ વાગે થઇ હતી. બીજા તબક્કાના રોડ શોની શરૂઆત સાંજે ૫.૩૦ વાગે રાણીપથી થઇ હતી. રાણીપ રામજી મંદિરથી આની શરૂઆત થયા બાદ દેવભૂમિ રોડ ખાતે સમગ્ર રોડ શોનું સમાપન થયું હતું. બંને તબક્કાના રોડ શો દરમિયાન વેજલપુરથી વસ્ત્રાપુર અને રાણીપ રામજી મંદિરથી દેવભૂમિ રોડ સુધી રુટ પર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહે સરખેજના વણઝર ગામ ખાતેથી આજે પવિત્ર ચૈત્રી નવરાત્રિ નિમિતે અને ભાજપના સ્થાપના દિને પુષ્પાંજલિ કરીને પોતાના ચૂંટણી પ્રચારની વિધિવત્ શરૂઆત કરી હતી. અમિત શાહે માથા પર કેસરિયો સાફો બંધાવીને રોડ શોનો પ્રારંભ કર્યો હતો. તેમણે વણઝરથી વસ્ત્રાપુર સુધી ૧૪ કિમીના વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો. આજે ભાજપના સ્થાપના દિવસથી વેજલપુર વિધાનસભા અને સાંજે સાબરમતી વિધાનસભામાં રોડ-શો યોજીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી રહી હતી. જ્યારે રાતે ઘાટલોડિયા વિધાનસભાના બોપલ વોર્ડમાં સ્થાનિક સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે અમિત શાહની બેઠક યોજાશે. સરખેજના વણઝર ગામેથી અમિત શાહે પહેલા તબક્કાનો રોડ શોનો પ્રારંભ કર્યો હતો, જેમાં સવારે સાડા નવ વાગ્યાથી રોડ શો શરૂ થયો હતો. વણઝર, સરખેજ ગામ, રોજા, શ્રીનંદનગર, જીવરાજ પાર્ક, દેવાંશ ફ્લેટ, સ્વામિનારાયણ મંદિર, શ્યામલ બ્રિજ, શ્યામલ ૧૦૦ ફૂટ રોડ (હરણ સર્કલ), જોધપુર ચાર રસ્તા, માનસી સર્કલ થઈ વસ્ત્રાપુર હવેલી મંદિર પાસે બપોરે ૧૨.૩૦ કલાકે રોડ શો પૂરો થયો હતો. જયારે રાણીપથી સાંજે બીજા તબક્કાનો રોડ શોનો પ્રારંભ થયો હતો. અમિત શાહે સાંજે ૫.૩૦ કલાકે રાણીપ, રામજી મંદિરથી રોડ શોની શરૂઆત કરી હતી અને નિર્ણય નગર ગરનાળા થઇ ચાંદલોડિયા, ઉમિયા હોલ, વંદેમાતરમ રોડ, કંકુનગર, દુર્ગા સ્કૂલ, સરદાર ચોક, નવ નિર્માણ સ્કૂલ, રાણીપ બસ સ્ટેન્ડથી રાધા સ્વામિ રોડ, સાબરમતી પાવર હાઉસ, રામનગર, રામબાગ રોડ, નિલંકઠ મહાદેવ, હરિઓમ સોસાયટીથી દેવભૂમિ રોડ પાસે રોડ શો પૂરો થયો હતો. શાહના રોડ શોમાં ભાજપના સેંકડો કાર્યકરો બાઇક, સ્કુટર સાથે ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. તો, મહિલા કાર્યકરોએ પણ ભારે ઉત્સાહ સાથે રોડ શોમાં ભાગ લીધો હતો. શાહના સાંજના બીજા તબક્કાના રોડ શોમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના આગેવાનો ખાસ જોડાયા હતા. ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા રોડ શોના રૂટમાં વચ્ચે વચ્ચે શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો, રૂટમાં જૂહાપુરા-સરખેજના મુસ્લિમ વિસ્તારોમાં પણ રોડ શોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.અમિત શાહના રોડ શોને લઈ રૂટ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રૂટ પર રાખવામાં આવ્યો હતો. એસઓજી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિતની સુરક્ષા એજન્સીઓ પણ સમગ્ર રૂટ પર વોચ રાખીને બેઠી હતી અને એકેએક શંકાસ્પદ ગતિવિધિ અને હિલચાલ પર વોચ રાખી હતી.