શત્રુઘ્નસિંહા અંતે કોંગ્રેસ પાર્ટીમાં સામેલ : ભાજપ ઉપર તીવ્ર પ્રહારો

530

છેલ્લા કેટલાક સમયથી ભાજપથી નારાજ ચાલી રહેલા બળવાખોર નેતા શત્રુઘ્ન સિંહા આજે વિધિવતરીતે ભાજપની સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં સામેલ થઇ ગયા હતા. આની સાથે જ તેમને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. ભાજપના અસંતુષ્ટ નેતા શત્રુઘ્નસિંહા આખરે સત્તવારરીતે કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઇ ગયા છે. આ ગાળા દરમિયાન શત્રુઘ્ન સિંહા ભાજપના સ્થાપકો નાનાજી દેશમુખ, અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની ભરપુર પ્રશંસા કરી હતી. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપર પ્રહાર કર્યા હતા. શત્રુઘ્નસિંહાએ કહ્યું હતું કે તેમને દુખ છે કે, ભાજપના સ્થાપના દિવસે પાર્ટી છોડી રહ્યા છે.

શત્રુઘ્નએ એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસમાં સામેલ થવામાં લાલૂ યાદવે ચાવીરુપ ભૂમિકા અદા કરી છે. શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે, ભાજપનો આજે સ્થાપના દિવસે છે. આજના દિવસે પાર્ટી છોડવાનો નિર્ણય દુખદ છે. તેમણે ઉમેર્યું હતું કે જ્યારે જ્યારે પ્રકાશ નારાયણને મળ્યા હતા ત્યારે નાનાજી દેશમુખનો પરિચય કરાવ્યો હતો. ભારત રત્ન નાનાજીએ રાજકીય કેરિયબ બનાવવામાં ભૂમિકા અદા કરી હતી. નાનાજીએ તેમને અટલ બિહારી વાજપેયીને મળાવ્યા હતા જેથી ભાજપ માટે કામ કરવાનો નિર્ણય કર્યો હતો. અડવાણી સાથે પણ આ ગાળામાં મુલાકાત થઇ હતી. શોટગન તરીકે લોકપ્રિય શત્રુઘ્નએ કહ્યું હતું કે, લોકશાહીને ધીમે ધીમે પાર્ટીમાં તાનાશાહીમાં બદલતા જોઇને દુખ થયું છે. પાર્ટી વન મેન આર્મી અને ટુ મેન શો બની ગઈ છે. પાર્ટીના દિગ્ગજોને માર્ગદર્શક મંડળમાં મોકલી દેવામાં આવ્યા છે. શત્રુઘ્નએ કહ્યું હતું કે, આ લોકોએ પહેલા ઉપરથી કાપવાની શરૂઆત કરી હતી. યશવંતસિંહાની હાલત કફોડી થઇ હતી. મુરલી મનોહર જોશીની હાલત પણ કફોડી થઇ હતી. અરુણ શૌરીનું પણ સન્માન કરવામાં આવ્યું ન હતું. શત્રુઘ્ને કહ્યું હતું કે, તેમને મંત્રી બનાવવામાં આવ્યા ન હતા પરંતુ તેમના ઉપર કોઇ આરોપ મુકવામાં આવ્યા ન હતા. પીએમઓથી સરકાર ચાલી રહી હતી. તમામ લોકો વર્તમાન સરકારમાં ભયભીત છે. પાર્ટીએ સ્માર્ટ સિટી સુધીના વચનો પાળ્યા નથી. શત્રુઘ્નસિંહાએ મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની વ્યાપક ટિકા કરી હતી. નોટબંધી જેવા નિર્ણયથી દેશના લોકો ઉપર શું અસર થઇ છે તે તમામ લોકો જાણે છે. આ નિર્ણયના કારણે લોકો લાઈનમાં લાગી ગયા હતા. પ્રચાર ઉપર જેટલી રકમ ખર્ચ કરવામાં આવી તેટલી રકમ વિકાસ ઉપર કરવામાં આવી હોત તો વધારે અસર થઇ હોત. શત્રુઘ્નસિંહાએ એમ પણ કહ્યું હતું કે, પાર્ટીથી ઉપર દેશ હોય છે ત્યારે તેમને અસંતુષ્ટ તરીકે કહેવામાં આવ્યા. નોટબંધી સૌથી મોટા કૌભાંડ તરીકે હોવાના કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના આક્ષેપ સાથે સહમત હોવાની શત્રુઘ્નસિંહાએ વાત કરી હતી. ભારતીય જનતા પાર્ટીના ટોપ નેતાઓની સામે તેઓ આડેધડ નિવેદન કરી રહ્યા હતા. સાથે સાથે વિપક્ષી છાવણીમાં પણ નજરે પડી રહ્યા હતા. શત્રુધ્ન સિંહા વિપક્ષ દ્વારા આયોજિત તમામ કાર્યક્રમમાં દેખાયા હતા. જેંમાં મમતા બેનર્જી દ્વારા આયોજત કાર્યક્રમનો સમાવેશ થાય છે. તેઓ ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલના કાર્યક્રમમાં પણ પહોચી ગયા હતા. શત્રુઘ્ન સિંહા ભાજપ સાથે છેલ્લા કેટલાક સમયથી નારાજ હતા. યશવંતસિંહા અને અરૂણ શૌરીની સાથે તેઓ ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરી રહ્યા હતા. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરવામાં આવ્યા બાદ શત્રુઘ્ન સિંહાને ટિકિટ ન મળતા એવી શક્યતા વધી ગઇ હતી કે તેઓ ભાજપ સાથે છેડો ફાડી લેશે. થોડાક દિવસ પહેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની સાથે પણ તેઓ દેખાયા હતા. ચૂંટણી માટે તખ્તો ગોઠવાઇ ગયો છે ત્યારે હવે શત્રુઘ્નસિંહા પણ કોંગ્રેસ છાવણીમાં નજરે પડી રહ્યા છે. આજે કોંગ્રેસમાં સામેલ થયા ત્યારે તેઓ રણદીપ સુરજેવાલાની સાથે પ્રેસમાં દેખાયા હતા.

Previous articleશોપિયાં સેક્ટરમાં એન્કાઉન્ટર સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા
Next articleઅડવાણીજી અમારા પિતા તુલ્ય, રાહુલ પોતાની ભાષા પર સંયમ રાખેઃ સુષમા સ્વરાજ