વર્તમાન સરકારે કામ નથી કર્યું તો બીજાને તક આપવામાં વાંધો શું છે? : નિતિન ગડકરી

655

આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપાની જીત મામલે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ મહત્વનું નિવેદન આપ્યું છે. પોતાના બેફાટ અને ખાસ કરીને પોતાની જ પાર્ટી માટે સમસ્યા ઉભી થાય એવા નિવેદન આપનાર નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે, વિતેલા પાંચ વર્ષોમાં જો અમારી સરકારે યોગ્ય કાર્ય નથી કર્યું તો, પ્રજાએ બીજા લોકોને તક આપે એમાં વાંધો નથી. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી નિતિન ગડકરીએ મતદાતાઓને અપીલ કરી હતી કે, મતદાન કરતી વખતે મતદાતાએ વિતેલા પાંચ વર્ષના કાર્યકાળને પણ ધ્યાનમાં રાખવો જોઇએ. સત્તાધીશ પાર્ટીને હમેશાં તેના કામ પર આંકવામાં આવે છે. જો જનતાને લાગે કે વર્તમાન સરકારે કામ નથી કર્યું તો, તેમણે પસંદગી બદલવી જોઇએ. ગડકરીએ જણાવ્યું કે, રાજનીતિ માત્ર સત્તા માટે નથી, પરંતુ સમાજ માટે હોય છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી માહોલ જામતા જ દેશમાં વર્તમાન સરકાર અને વિપક્ષ દળો વચ્ચેની જંગ તેની ચરમસીમા પર પહોંચી જાય છે. મોદી સરકાર દ્વારા લેવાયેલા કેટલાક નિર્ણયો સામે વિપક્ષ સખત વિરોધમાં છે અને સતત મોદી સરકારને ઘેરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

એવામાં પાર્ટીના જ નેતા દ્વારા આ પ્રકારના નિવેદન આગામી સમયમાં પરિણામો પર અસર કરી શકે છે.

નિતિન ગડકરી વારંવાર સ્પષ્ટતા કરતા આવ્યા છે કે, તેઓ વડાપ્રધાન બનવાની હરોળમાં નથી. આ પહેલા ગત માસે નિતિન ગડકરીએ નિવેદન આપ્યું હતું કે, તેમના કામ માટે ભાજપા સિવાય અન્ય પાર્ટીઓ, ખાસ કરીને કોંગ્રેસ તરફથી તેમને ચૂંટણી લડવા માટે શુભકામનાઓ મળી હતી, કારણ કે મેં કોઇ પણ જાતિ, ધર્મ કે સંપ્રદાયના આધારે કામ નથી કર્યું. મેં બધાને સમાન માનીને જ કાર્ય કર્યું છે.

Previous articleઅમિત શાહનો શાહી રોડ શો
Next articleવર્ધામાં પીએમ મોદીના ભાષણની કોંગ્રેસે કરી ફરિયાદ, ચૂંટણીપંચે માંગ્યો રિપોર્ટ