ઓડિશાના સોનપુરમાં એક જાહેરસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને આ ક્ષેત્રમાં સત્તારૂઢ બીજુ જનતા દળ (બીજેડી) પર જોરદાર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ સામે કટાક્ષ કરતા વડાપ્રધાને સભામાં હાજર લોકોને ગરીબીથી છૂટકારો મેળવવા માટેની એક ‘દુર્લભ જડી-બુટ્ટી’ વિશે પણ જણાવ્યું.
તેમણે કહ્યું હતું કે દેશમાંથી ગરીબી હટાવવા માટે સૌથી શ્રેષ્ઠ જડીબુટ્ટી એ છે કે ‘કોંગ્રેસ હટાવો. આજનો ગરીબ જાણે છે કે કોંગ્રેસને હટાવવાથી ગરીબી આપોઆપ દૂર થઈ જશે.’ કોંગ્રેસની નીતિઓના કારણે દેશમાં મોંઘવારી વધશે.ઓડિશામાં સત્તારૂઢ ભાજપ અને કેન્દ્રમાં અગાઉની કોંગ્રેસ સરકારને ઘેરતા વડાપ્રધાને પોતાની આગવી શૈલીમાં પ્રશ્ન કર્યો હતો કે ‘વીતેલા બે દાયકામાંથી અહીં કોની સરકાર રહી? મારા આવ્યા પૂર્વે કેન્દ્રમાં કોની સરકાર હતી?’ બાદમાં જવાબ પણ પોતે આપતા જણાવ્યું કે બીજેડી અને કોંગ્રેસના લોકો તમે ગરીબીમાંથી બહાર આવો તેવું ઈચ્છતા જ નથી.
વડાપ્રધાને ‘તમે સતત પછાત બની રહ્યા છો. શું તમે વિચાર્યું છે કે બીજા રાજ્યોની તુલનાએ તમે શા માટે પાછળ રહી ગયા. તમારી પાસે અન્ય રાજ્યોની સરખામણીએ સંસાધનો વધુ છે છતાં તમે પાછળ છો. આવું એટલા માટે કારણ કે તમે જે સરકાર પસંદ કરી, તેમણે તમારા માટે કામ કર્યું નહીં. તેઓ ઈચ્છે છે કે તમે ગરીબ જ રહો. જો ગરીબીથી છૂટકારો મેળવવો હોય તો તમારે ઉર્જાવાન સરકાર લાવવી પડશે.
’ઘણી પાર્ટીઓ પૈસાથી બની પરંતુ ભાજપની રચના કાર્યકર્તાઓના પરસેવાથી થઇ છે.
વડાપ્રધાને સરકારની યોજનાઓ ગણાવતા જાહેરસભામાં હાજર લોકોને જણાવ્યું કે, ‘મને ઓડિશા પર ગર્વ થાય છે, એટલા માટે કે અમે લાખો ઘરોને મફતમાં વીજળી આપી. મફત ગેસ કનેક્શન આપ્યું. આ ઉપરાંત શૌચાલયની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી. જો તમે સારી સરકાર ઈચ્છતા હો તો રાજ્યમાં પણ સરકાર બદલો. જ્યારે બંને મોચરે એક સરકાર હશે તો વિકાસ માટે શ્રેષ્ઠ સ્થિતિ ઉત્પન્ન થશે.’
વિપક્ષના જોડાણના મુદ્દે વડાપ્રધાને જણાવ્યું કે, ‘આજે મોદી વિરુદ્ધ સમગ્ર વિપક્ષ એક થયો છે. મે તેમના વચેટિયાઓનો છેદ ઉડાડી દીધો. ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવ્યો જેથી આ લોકો અકળાઈ ઉઠ્યા. હવે આ મહામિલાવટી લોકો સાથે મળીને ફરી ભ્રષ્ટાચાર શરૂ કરવા માટે મજબૂર સરકાર લાવવા માંગે છે. તમારે નક્કી કરવું પડશે કે કેન્દ્રમાં મજબૂર સરકાર જોઇ છે કે મજબૂત.
ભારત હવે આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારે છે,સરકારો પહેલાં પણ હતી પરંતુ સર્જિકલ સ્ટ્રાઇક કરવાનું કોઈ વિચારી શકતી નહોતી. તેમણે કોંગ્રેસ પર અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે સ્વાર્થી નામદારે દેશને દાવ પર લગાવી દીધો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશમાં પૂર્ણ બહુમતની સરકાર બનવાનું નક્કી છે.અમે ન તો પરિવાર પર આધારિત છીએ, ન તો પૈસા પર આધારિત છીએ. અમે અન્ય જેવા નથી. સ્વાર્થી નામદારે દેશને દાવ પર લગાવી દીધો છે પરંતુ અમે કામ કરવા આવ્યા છીએ.