ગત અંકમાં આત્મવિચારની સમજણથી (ટેક્નોલૉજીથી) જીવનના વિક્ષેપ ટાળવા પર વિમર્શ કર્યો. આજે ભગવાન સ્વામિનારાયણ વચનામૃત મધ્યના ૬૦માં વિક્ષેપ ટાળવા માટે બીજી સમજણ આપે છે, તે જોઈશું.
તેઓ કહે છે, ‘‘માયિક એવાં જે પદાર્થમાત્ર તેના નાશવંતપણાનું જે અનુસંધાન.’’ આ છે સાંખ્યવિચાર ! આ સાંખ્ય વિચારને ત્રણ રીતે સમજીએ.
૧. દેહ નાશવંત છે : –
મનુષ્યના દેહને ક્ષણભંગુર કહ્યો છે. ગીતામાં કહ્યું છે જન્મેલાનું મૃત્યું નક્કી છે. આ લોકનું નામ જ ‘મૃત્યુલોક’ છે. તેથી મૃત્યુ તો સૌને મળવાનું જ છે. જેમ કાપડની દુકાનનું પાટિયું બહાર માર્યું હોય તો તે દુકાનમાં કાપડ તો મળે જ, કરિયાણાની દુકાનની બહાર તેના નામનાં પાટિયાં ઝૂલતાં હોય તો અંદર કરિયાણું તો હોય જ. તેમ આપણો લોક ‘મૃત્યુલોક’ છે તો અહીં આવેલું કોઈ અમર કેવી રીતે રહી શકે ?
આ સત્યતા જાણવા છતાં વાસ્તવિકતા આપણે સ્વીકારી શકતા નથી. મહાભારતના વનપર્વમાં યક્ષ અને યુધિષ્ઠિરની પ્રશ્નોત્તરી આવે છે. તેમાં યક્ષ યુધિષ્ઠિરને પૂછે છે, આ સંસારનું મોટામાં મોટું આશ્ચર્ય કહ્યું ? યુધિષ્ઠિર કહે છે,
અર્થાત્ રોજ હજારો લોકો મૃત્યુ પામે છે અને સર્વે યમલોક તરફ પ્રયાણ કરે છે, તે જોવા છતાં પણ અન્ય લોકો સદાકાળ માટે આ પૃથ્વી પર જીવંત રહેવાના છે તેવા ભ્રમમાં જીવે છે. તેનાથી મોટું આશ્ચર્ય કયું હોઈ શકે ? આ રીતે દેહને નાશવંત જાણવો.
૨. દેહના સંબંધી નાશવંત છે
દેહ નાશવંત છે, તેમ દેહના સંબંધીજનોને નાશવંત સમજવાં તે પણ સાંખ્યવિચાર છે.
રામાયણમાં લખ્યું છે :
પહેલાંના સમયમાં મોટાં લાકડાં પાણીમાં તરતાં મૂકી એક સ્થળથી બીજે સ્થળે પહોંચાડતાં. પાણીમાં તરતાં લાકડાં પાણીના પ્રવાહથી ક્યારેક ભેગા થાય અને એ જ પાણીની થપાટે પાછા વિખૂટાં પણ પડે. તેમ આ જગત, તેમાં રહેલા પદાર્થો અને સગાં-સંબંધી પણ કાળના પ્રવાહમાં આપણને મળે છે અને પુનઃ વિખૂટાં પણ પડે છે.
૧૦૦ પુત્રીની માતા ગાંધારી પણ મહાભારતના ૧૮ (અઢાર) દિવસ યુદ્ધ પછી પુત્રવિહોણી થઈ ગઈ ! સગર રાજાના તો ૬૦,૦૦૦ પુત્રો હતા, પણ એકેય સાથે ન રહ્યા.
૩. દેહ સંબંધી ભોગ નાશવંત છે
દેહ અને દેહના સંબંધીની જેમ દેહ સંબંધી વસ્તુઓ પણ નાશવંત છે, તેમ સમજવું તે સાંખ્યવિચાર.
કવિ જગદીશાનંદ કહે છે –
નિત્ય જ્યાં નોબતો વાગતી રે, રૂડા રાગ સદાય,
તે સ્થળ આજ ઉજ્જડ પડ્યો, હાંરે જોયા નજરે ન જાય.
એક સમયે જ્યાં જાહોજલાલી હતી, ત્યાં આજે ઉજ્જડતા છે. તે બતાવે છે કે જગતમાં કશું સ્થિર નથી. ભાવનગરની પાસે વલભીપુર ગામ છે. એક સમયે આ વલભી સમૃદ્ધ હતું અને શિક્ષાનું મોટું કેન્દ્ર હતું. પ્રાચીનકાળમાં હજારો લોકો વલભી વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા, પણ આજે એ સામાન્ય ગામ થઈ ગયું. લોથલ અને મોહન-જો-દડો પણ એક જમાનામાં સાધનસંપન્ન સંસ્કૃતિ હતી આજે ત્યાં ટીંબા છે. કોઈ પણ ગામ, શહર કે નગરમાં સ્મશાન કે કબ્રસ્તાન જોવા મળે છે, તે જગતના નાશવંતપણાનાં સ્મારકો છે.
આ સાંખ્યાવિચારની મહત્તાની વાત કરતાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ગુરુ પરમ પૂજ્ય યોગીજી મહારાજ કહેતા ‘‘સાંખ્ય વિચાર કરવા શીખવો. દેહ, લોક, ભોગ ખોટા સમજી લેવા’’ એટલે ટૂંકમાં દેહ અને દેહના સંબંધી અને જગત ખોટા છે નાશવંત છે તેમ માનવું.
આ રીતે સાંખ્યવિચાર કરવાથી આપણે દેહના સંબંધી અને વસ્તુઓના નાશરૂપી વિક્ષેપોની વચ્ચે સ્થિર રહી શકીએ છીએ.
(ક્રમશઃ)