વેરાવળમાં ગત તા.૨ના રોજ રાત્રે ૧૧ કલાક બાદ એએસપી વસાવા તથા સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં નિકળી હતી જેમાં બે લથડીયા ખાતા શખ્શોને પકડી પૂછપરછ હાથ ધરતા હાજર ૧૦૦ના ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો તેમજ એક બાઇક તથા પોલીસવાનને નુકશાન કર્યુ હતું. જેમાં સવારે પોલીસે ફરિયાદમાં ૧૧ આરોપી સહિત ૧૦૦ના ટોળા સામે ૩૦૭ ની કલમ અને રાયોટીંગનો ગુનો નોંધ્યો હતો. આ ફરીયાદમાં પોલીસે ૩૦ હજારનું પ્રાઇવેટ વાહનોમાં નુકશાન અને ૭૦ હજારનું સરકારી વાહનોમાં નુકશાન થયાનું જણાવ્યુ હતું. ત્યારે આ સમગ્ર બનેલા આકસ્મિક બનાવને સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજે દુઃખદ ગણાવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક લેખિત પત્ર પાઠવી આ કેસમાં ૧૧ પૈકી નવ નામો જે દર્શાવ્યા છે તમામ નિર્દોષ છે . આ નવ લોકોેના સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ લોકેશન સહિતના પુરાવાઓ પણ આપવામાં આવ્યા છે તેમ છતાં ફરીયાદમાં નામ છે જે ગંભીર બાબત છે. આ ઉપરાંત ઘર પાસે પાર્ક કરેલા ૧૫ વાહનોને પોલીસે ડીટેઇન કર્યા છે આ વાહનો જેના છે તેમના નામ પણ ફરીયાદમાં સામેલ કર્યાની આશંકા છે જે ખુબજ ગંભીર બાબત છે. વળી સોશીયલ મીડીયામાં પોલીસે મોડીરાત્રે ખારવાવાડમાં કોમ્બીંગ હાથ ધરી ઘર પાસે પાર્ક કરેલા વાહનોમાં આડેધડ લાકડીઓ વડે બાઇકોને નુકશાન કર્યાના વીડીયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. આ ઘટના થી ખારવા સમાજના લોકોમાં રોષ જોવા મળી રહૃાો છે. જેની ખરાબ અસર આગામી મતદાન પણ થવાની સમાજના આગેવાનોને ડર છે. પોલીસ અને પ્રજા વચ્ચે સવાંદ સધાય તે માટે ના પ્રયત્નો ચાલુ છે. નિર્દોષ લોકો ઘટનાનો ભોગ ન બને તે પ્રાથમિકતા છે. હાલ કદાચ ચુંટણીના માહોલના લીધે કોઇ પગલા ન લે પણ ચુંટણી બાદ પગલા લે તો શુ કરવુ જેથી આ બનાવનું તાત્કાલીક નિરાકરણ લાવવુ અત્યંત જરૂરી છે. સમાજના લોકોની પરિસ્થતિ જોતા હવે સમાજ દ્વારા સોમવારે ડીએસપીને આવેદનપત્ર અપાશે બાદમાં નિવેડો ન આવે તો બીજા વિકલ્ય તરીકે પ્રતિક ઉપવાસ , જન આંદોલન વિચારાધીન છે અને તો પણ નિવેડો ન આવે તો છેલ્લા વિકલ્પ તરીકે મતદાન બહિષ્કાર કરવાો નિર્ણય પણ કરવામાં આવશે . ત્યારે આ ગંભીર બાબતે પોલીસ નિર્દોષ લોકોના કેસ પરત ખેંચે તેવી માંગણી સાથે બનાવનું સુખદ નિરાકરણની માંગ કરી છે તેમ પત્રકાર પરિષદમાં સમાજના આગેવાનોએ જણાવ્યુ હતું. પત્રકાર પરિષદ માં રીતેષભાઇ ફોફંડી, જગદીશભાઇ ફોફંડી, ગોવિંદભાઇ વણીક, કિશનભાઇ, તુલસીભાઇ ગોહેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહૃાા હતા.