કલોલમાં આવેલા નવજીવન શોપીંગ સેન્ટરમાં સેનેટરી અને પાક’ગની જગ્યામાં ગેરકાયદે બાંધકામ થયું હોવાની વેપારીઓ દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવતાં ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશ છુટયા હતા. જેમાં સ્થળ પર થયેલ હયાત બાંધકામની માપણી કરી પ્લાનના નકશા સાથે સરખાવતાં બિન પરવાનગી કાચુપાકુ બાંધકામ થયેલ હોવાનું સ્પષ્ટ થયું હતું. જેથી ઉચ્ચ કક્ષાએથી ગેરકાયદે બાંધકામ દુર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે આ મુદ્દે બિલ્ડરો પણ હાઈકોર્ટમાં ગયા હોવાનું જાણવા મળ્યું છે.
કલોલ શહેરમાં આવેલા નવજીવન શોપીંગ સેન્ટરમાં સેનેટરી અને પાક’ગની જગ્યામાં બિલ્ડરે ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાની રજૂઆત વેપારીઓએ ઉચ્ચ કક્ષાએ કરી હતી.
ત્યારે ઉચ્ચ કક્ષાએથી આ અંગે તપાસના આદેશ છુટયા હતા અને આ અંગેનો સ્થળ તપાસ રીપોર્ટ મોકલી આપવા કલોલના ચીફ ઓફીસરને આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે ચીફ ઓફીસરે જે અહેવાલ મોકલ્યો તે અને વેપારીઓની રજૂઆતમાં ઘણી વિસંગતતાઓ હતી. જેથી ફરીથી તપાસના આદેશ થયા હતા અને ત્યારબાદ પણ રજુ કરાયેલા રીપોર્ટ અને વપારીઓના રિપોર્ટમાં ઘણી વિસંગતતાઓ જોવા મળી હતી.
જેથી નગરપાલિકાએ ગાંધીનગરની કચેરીથી બાંધકામની માપણી માટે પ્લાનીંગ આસિસ્ટન્ટ અને ઈજનેરોને મોકલ્યા હતા અને સદર નવજીવન શોપીંગ સેન્ટરની પરવાનગીના પ્રમાણિત નકશા મેળવી અને સ્થળ પર થયેલ હયાત બાંધકામની માપણી કરી પ્લાનના નકશા સાથે સરખાવતાં આ સ્થળે બિન પરવાનગી કાચુપાકુ બાંધકામ થયેલ હોવાનું સ્પષ્ટ થયું હતું.
જેથી નગરપાલિકાએ ગાંધીનગર કચેરીથી પ્રાદેશિક કમિશનરે ગેરકાયદે બાંધકામ દુર કરવાનો આદેશ કલોલના ચીફ ઓફીસરને કર્યો હતો. ત્યારે આ મુદ્દે બિલ્ડરો પણ હાઈકોર્ટમાં ગયા છે અને હવે આ મુદ્દે હાઈકોર્ટ શું આદેશ કરે છે તે જોવું રહયું.