લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનુ મતદાન ૧૧ એપ્રિલે થવાનુ છે.તે પહેલા જોર શોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. લોકસભાની વર્તમાન ચૂંટણી માટે કોંગ્રેસે પ્રચાર કરવા માટેનો પોતાનો મુખ્ય નારો નક્કી કરી લીધો છે.કોંગ્રેસે ” અબ હોગા ન્યાય” નો નારો નક્કી કર્યો છે.જેના સહારે લોકસભા ચૂંટણી લડવામાં આવશે. કોંગ્રેસના આ નારામાં ન્યાયનો અર્થ ગરીબો માટે પ્રતિ વર્ષ ૭૨૦૦૦ રુપિયા આપવાની ન્યાય યોજનાના સંદર્ભમાં છે.કોંગ્રેસે આટલી રકમ ગરીબોને આપવાનો વાયદો કર્યો છે. કોંગ્રેસ પ્રચાર સમિતિના અધ્યક્ષ આનંદ શર્માએ કહ્યુ હતુ કે, અમારુ અભિયાન ન્યાય આધારીત છે.
દેશનો યુવાન નોકરી માટે, ખેડૂતો યોગ્ય ભાવ માટે, મહિલાઓ સુરક્ષા માટે ન્યાય માંગી રહી છે.
રાહુલ ગાંધીએ પોતે ગરીબોને દર વર્ષે ૭૨૦૦૦ રુપિયા આપવાની ન્યાય યોજના લોન્ચ કરી હતી.પ્રિયંકા ગાંધીએ આ એલાનને ગરીબી પરનો સૌથી મોટો પ્રહાર ગણાવી હતી.
આરોગ્યની કાળજી માટે અધિકાર તથા એક નેટવર્ક હેઠળની જાહેર અને યાદીસૂચિત ખાનગી હોસ્પિટલોમાં મફત ડાયગ્નોસિટ્કસ, આઉટ-પેશન્ટ્સ કેર, મફતમાં દવાઓનું વિતરણ તથા હોસ્પિટલાઈઝેશન માટે કોંગ્રેસે તેના ચૂંટણીઢંઢેરામાં વચન આપ્યું છે.
પાર્ટીએ વચન આપ્યું છે કે તે સત્તા પર આવશે તો ૧૭મી લોકસભાના પહેલા જ સત્રમાં લોકસભા તથા રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા સીટ અનામત રાખવા માટેનો મહિલા અનામત ખરડો પાસ કરશે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે, ગરીબી પર વાર, રૂ. ૭૨ હજાર, અબ હોગા ન્યાય સૂત્ર અમારા ચૂંટણી પ્રચારમાં અગ્રસ્થાને રહેશે.
પાર્ટીએ તેનું સત્તાવાર પ્રચાર ગીત પણ લોન્ચ કર્યું છે જેનાં શબ્દો જાણીતા બોલીવૂડ ગીતકારો જાવેદ અખ્તર તથા નિખીલ અડવાણીએ લખ્યાં છે.