જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોની મુવમેન્ટ માટે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરવાના નિર્ણયનો રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે. રવિવારે નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી સહિત અન્ય નેતાઓએ આ નિર્ણય વિરૂદ્ધ પ્રદર્શનો કર્યા. નેશનલ કોન્ફરન્સના ફારૂક અબ્દુલ્લાએ હાઈવેને કાશ્મીરીઓની લાઈફલાઈન ગણાવી છે. તો પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહબૂબા મુફ્તીએ લોકોને નિર્ણય ન માનવાની અપીલ કરી છે.
સરકારે આદેશ આપ્યો છે કે બારામૂલાથી ઉધમપુર જતાં નેશનલ હાઈવે પર ૩૧ મે સુધી સપ્તાહમાં બે દિવસ સિવિલિયન માટે વાહન વ્યવહાર બંધ રહેશે. એક અધિકારીના જણાવ્યા મુજબ ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરક્ષાદળોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવશે. જવાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ પ્રકારનો નિર્ણય લેવાયો છે.
નોટિફિકેશનમાં તેમ પણ કહેવાયું છે કે શ્રીનગર, કાઝીગુંડ, જવાહર સુરંગ, બનિહાલ અને રામબન થઈને પસાર થતાં હાઈવે પર સવારે ૪ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી સિવિલિયન્સ પ્રવેશ નહીં કરી શકે.
મહબૂબા મુફ્તીએ કહ્યું, “આ એકદમ અયોગ્ય છે. આ નિર્ણયથી વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. હું લોકોને અપીલ કરું છું કે તેઓ આ હાઈવે બંધ કરવાના નિર્ણયને ન માને. હું આ નિર્ણય વિરૂદ્ધ કોર્ટમાં જઈશ.”
ફારૂક અબ્દુલ્લાએ કહ્યું, “જો સેનાનો કાફલો રાત્રે યાત્રા કરે છે તો તેઓ ટ્રેનનો ઉપયોગ પણ કરી શકે છે. તેમાં સામાન્ય લોકોને કોઈ જ મુશ્કેલી નહીં પડે. આ નિર્ણય તો તેઓએ પરત લેવો જ પડશે. આ કાશ્મીરીઓ માટે લાઈફલાઈન છે. તેને આ રીતે બંધ ન કરી શકાય.