આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન વધીને ૪૨.૬ ડિગ્રી રહ્યું હતું. એકાએક ગરમીમાં વધારો નોંધાઈ જતાં બપોરના ગાળામાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આજે રવિવાર હોવાથી કામવગર લોકો ઘરની બહાર નિકળ્યા ન હતા. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ દિવસ માટે હિટવેવની ચેતવણી જારી કરી નથી પરંતુ ત્યારબાદના બે દિવસ માટે હિટવેવની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. ઉત્તર ગુજરાત ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં હિટવેવની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. આજે રાજ્યના કેટલાક ભાગોમાં પારો ૪૩થી પણ ઉપર પહોંચ્યો હતો જેમાં સુરેન્દ્રનગરમાં ૪૩.૩ અને કંડલા એરપોર્ટ ખાતે પારો ૪૩.૮ ડિગ્રી સુધી પોંચ્યો હતો. અમદાવાદમાં પણ ૪૨.૬ સુધી પારો રહ્યો હતો. ગરમીનું પ્રમાણ હજુ પણ વધી શકે છે. ગરમીથી લોકોને કેવી રીતે બચાવી શકાય તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગરમીને લઇ અમ્યુકો દ્વારા હીટ એકશન પ્લાન પણ બનાવાયો છે. જે અંતર્ગત પીપીપી ધોરણે અમદાવાદમાં ૧૫૦૦ જેટલી પાણીની પરબો શરૂ કરવામાં આવશે. એટલું જ નહી, હીટવેવ અને હીટસ્ટ્રોકના દર્દીઓ માટે અમ્યુકો સત્તાધીશો દ્વારા અમ્યુકો સંચાલિત હોસ્પિટલોમાં ખાસ વ્યવસ્થા અને સારવારની વ્યવસ્થા કરવાની સૂચના જારી કરાઇ છે. અમદાવાદમાં ગરમી વધતા હવે મ્યુનિસિપલ કોર્પોરેશન હિટ એક્શન પ્લાન તૈયાર કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. યલો એલર્ટ અને રેડ એલર્ટને લઈને લોકોમા અવેરનેસ વધે તે માટે પ્લાન પણ ઘડવામાં આવશે. ગરમીના કારણે લોકોને લૂ લાગવાની તેમજ ચક્કર આવવાના બનાવ બને છે. જેમાં અમ્યુકો સંચાલિત હોસ્પિટલમાં હીટવેવ અને હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ઝડપી સારવાર મળે તે માટે પણ આયોજન કરાશે. શહેરમાં બાર એલઇડી ડિસપ્લે સ્ક્રીનથી લોકો ગરમીની માહિતી પૂરી પાડવામાં આવશે. તો, પીપીપી ધોરણે શહેરભરમાં ૧૫૦૦ જેટલી પાણીની પરબ શરૂ કરાશે. તેમજ લેબર એરિયામાં પીપીપી ધોરણે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરાશે. ગરમીના પગલે હીટ એકશન પ્લાન માટે આજે મ્યુનિસિપલ કમિશનર અને હવામાન વિભાગના ડાયરેકટરની આગેવાનીમાં તંત્રની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. હવામાન વિભાગના કહેવા મુજબ અમદાવાદમાં આવતીકાલે પણ પારો ૪૨ સુધી રહી શકે છે. વિશેષ સાવચેતી રાખવાની જરૂરિયાત દેખાઈ રહી છે.