ગાંધીનગર, અમદાવાદ સહિત ગુજરાતમાં કાળઝાળ ગરમીના પારા વચ્ચે લોકસભાની ચૂંટણી પ્રચાર સાવ નીરસ અને ફીક્કો પડી રહ્યો છે. જેના કારણે ઉમેદવારો બપોરના ૧થી૫ સુધીના સમયગાળમાં ચૂંટણી પ્રચાર કરી શકતા નથી. ગુજરાતની ૨૬ બેઠકો માટેનું મતદાન ૨૩ એપ્રિલના રોજ યોજાનાર છે. ઉમેદવારો ૨૧મી સાંજે ૫ વાગ્યા સુધી જ ચૂંટણી પ્રચાર કરી શકશે. ત્યારે ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારો પાસે માત્ર ૧૨ દિવસનો જ ટૂંકો સમય છે. તેમા પણ ગરમીના કારણે ઉમેદવારોના પ્રચારમાં ૪ કલાક ઘટી જતા માત્ર ૧૨૦ કલાક જ રહી જશે. પરિણામે ગુજરાતમાં ગરમીના કારણે લોકસભાની ચૂંટણીના પ્રચારની સાથે મતદાન પણ ઓછું થવાની શક્યતા છે.
ગરમીના કારણે ઉમેદવારો પ્રચાર કરી શકતા નથીઃ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો ૪૦ ડિગ્રીથી ઉપર જઈ રહ્યો છે. જેના કારણે લોકો ભારે હાંલાકી ભોગવી રહ્યાં છે. તેમાં પણ લોકસભાની ચૂંટણી હોવાથી ઉમેદવારો અને કાર્યકરો પણ ગરમીના કારણે હેરાન થઈ ગયા છે. કેમ કે ઉમેદવારો બપોરના સમયે પ્રચાર કરવા જાય તો પ્રજા સાથેનો સંપર્ક થઈ શકતો નથી. જેના કારણે ઉમેદવારોએ પણ પ્રચારની રણનીતિ બદલીને બપોરના ૧થી ૫ લોકસંપર્ક રાઉન્ડ બંધ કરીને માત્ર મીટિંગો કરી રહ્યાં છે. ઉમેદવારો પાસે પ્રચારનો સમય ઓછો રહ્યો છે અને ગરમીના કારણે પ્રચાર કરવો મુશ્કેલ પડી રહ્યો છે.
ચૂંટણી પ્રચારનો સમયમાં ૪ કલાકનો ઘટાડોઃ સામાન્ય રીતે લોકસભાના ચૂંટણી પ્રચારમાં ઉમેદવારોનું રોજનું શિડ્યુલ એવું હોય છે કે સવારે ૮થી બપોરે ૧ વાગ્યા સુધી લોકસંપર્ક રાઉન્ડ કરે છે. જ્યારે બપોરે ૧થી ૫ના સમયગાળા દરમિયાન કાર્યકરો અને આગેવાનો સાથે મીટિંગો કરે છે. સાંજે ૫થી રાત્રે ૧૦ વાગ્યા ઉમેદવારો અને સમર્થકો જે તે વિસ્તારમાં ભીડ વાળી જગ્યા પર જઈને પ્રચાર કરી રહ્યાં છે. આમ ઉમેદવારને પ્રચાર કરવા માટે સવારે ૮થી રાત્રે ૧૦ વાગ્યા સુધીનો સમય મળે છે. જેમાં ચાર કલાક બપોરની ગરમીના બાદ કરવામાં આવે તો ઉમેદવારોનું પ્રચાર સમય ૧૪ કલાકથી ઘટીને માત્ર ૧૦ કલાક જ રહી ગયો છે. ગુજરાતમાં આગામી ૨૩ એપ્રિલ સુધી કાળઝાળ ગરમી પડવાની આગાહી છે. ત્યારે ઉમેદવારોમાં ગરમીના કારણે મતદાન ઓછું થાય તો હારનો ભય પણ સતાવી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહીઃ વેધર ફોરકાસ્ટની આગાહી પ્રમાણે ૨૧મી એપ્રિલ સુધી ગરમીનો પારો ૪૪ ડિગ્રી સુધી રહેશે. જેમાં ૧૯ એપ્રિલથી ૨૧ એપ્રિલ સુધી હીટવેવની આગાહી છે. ૧૯મીએ ગરમીનો પારો ૪૨ ડિગ્રી, ૨૦મીએ ૪૪ અને ૨૧મીએ પણ ગરમીનો પારો ૪૪ ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.
કોંગ્રેસ પણ કબુલે છે કે બપોરે પ્રચાર બંધ છેઃ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી એ પણ ગરમીને કારણે હાલ પ્રચાર ઝુંબેશ પર અસર પડી હોવાની કબૂલાત કરી છે તેમણે જણાવ્યું હતું કે સવારથી જ ગરમી વધવા લાગી છે અને આ કારણે તેમણે લોકસંપર્ક અને કાર્યકરો સાથે વ્યૂહાત્મક બેઠકો બપોર પછી આયોજિત કરવાનું શરૂ કરી દીધું છે હવે મોટા ભાગનો પ્રચાર અને બેઠકોનો દોર સાંજે અને રાત સુધી ચાલે છે.
પરેશ ધાનાણી બપોરે ૧થી ૩ વાગ્યા સુધી પ્રચાર બંધ રાખે છેઃ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગરમી અમરેલીમાં પડી રહી છે. તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર જતો રહ્યો છે. બે દિવસ પહેલા જ અમરેલીના ઉમેદવાર પરેશ ધાનાણીને તડકાને કારણે ચક્કર આવી ગયા હતા. જેના લઇ પ્રચારના શેડ્યુઅલમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તા શરદભાઇ ધાનાણીએ જણાવ્યું હતું કે, સવારે ૮થી ૧૨ વાગ્યા સુધી પ્રચાર કરવામાં આવે છે અને બપોરે ૧થી ૩ વાગ્યા સુધી પ્રચાર પ્રસાર બંધ રાખે છે. તાપને કારણે ૩ વાગે લોકોનો રિસ્પોન્સ ઓછો રહે છે. ૪ વાગ્યા બાદ લોકોનો રિસ્પોન્સ મળે છે. બપોર બાદ ૩થી ૭ વાગ્યા સુધી પ્રચાર કરવામાં આવે છે.