ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આજરોજ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતુ કે, આજે લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તથા કેન્દ્રીય મંત્રીઓ રાજનાથસિહ, સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીની પ્રેરક ઉપસ્થિતિમાં જે સંકલ્પપત્ર દેશ સમક્ષ રજુ કરવામાં આવ્યુ છે તેનું હું સ્વાગત કરું છુ. આ સંકલ્પપત્ર ભાજપાના ભારત કે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશભરમાંથી મળેલા સૂચનો અને પ્રતિભાવોનો સમાવેશ કરીને જનજનની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા માટેનું સંકલ્પપત્ર છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગામી દિવસોમાં સરકાર કેવી રીતે કામ કરશે ? તે જાણવા માટે ભાજપા દ્વારા ભારત કે મન કી બાત મન કી બાત મોદી કે સાથ કાર્યક્રમ અંતર્ગત જનતાની અપેક્ષાઓ સૂચનો મેળવવા માટે દેશભરમાં ૩૦૦ રથ અને ૭૭૦૦ સૂચન પેટીઓ, તેમજ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ દ્વારા દરેક ક્ષેત્રના લોકો પોતાની રજૂઆત કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી અને સૂચનો એકત્રિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં પણ ૨૬ રથ અને સૂચન પેટીઓ મૂકી જનતાનું મન જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રવાદ એ અમારી પ્રેરણા છે, અંત્યોદય એ અમારું દર્શન અને સુશાસન અમારો મંત્ર છે, આમ આ મૂળ મંત્રને સાચા અર્થમાં પ્રતિબિંબિત કરતું અમારું સંકલ્પ પત્ર એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટેનો રોડમેપ છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુશાસનની શરૂઆત કરી જેને સમગ્ર દેશ અને દુનિયાને સ્વીકાર્યું છે.
છેલ્લા પાંચ વર્ષમાં અનેકવિધ ઐતિહાસિક કાર્ય કરવામાં આવ્યા છે. આજે વિશ્વમાં પાણી અને પાણીના સ્ત્રોત એ સૌથી મોટી સમસ્યા છે ત્યારે ભવિષ્યમાં આ સમસ્યાના ઉકેલ માટે ભારતના ઇતિહાસમાં પ્રથમવાર જળશક્તિ મંત્રાલયની સ્થાપના કરવાની કટિબધ્ધતા વ્યક્ત કરવામાં આવી છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશીતા દર્શાવે છે. ભારતને નવમા નંબરે થી કૂદકો લગાવીને અર્થવ્યવસ્થાના ક્રમાંકમાં છઠ્ઠા નંબર સુધી પહોંચાડવાનું ભગીરથ અને ચેલેન્જીંગ કાર્ય નરેન્દ્ર મોદીના નેતૃત્વએ કરી બતાવ્યું છે. ત્યારે ૨૦૨૨ સુધીમાં ભારતના અર્થતંત્રને વિશ્વમાં ત્રીજી અર્થવ્યવસ્થાના સ્થાને પહોંચાડવાની નેમ આ સંકલ્પપત્રમાં વ્યક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં ભારત મહાસત્તા તરફ આગળ વધે, દુનિયાનું ધ્યાન ભારત તરફ રહે, દુનિયાએ ભારતની નોંધ લેવી પડે એ પ્રકારનું શાસન ‘‘સબકા સાથ સબકા વિકાસ’’ના મંત્રની સાથે નરેન્દ્ર મોદી કરવાના છે. આરક્ષિત સમાજના વર્ગોના આરક્ષણને છેડછાડ કર્યા વગર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં જનરલ કેટેગરીમાં આવતી આર્થિક રીતે પછાત જનતાને દસ ટકા આર્થિક અનામત આપવાનું કાર્ય કર્યું છે.
કોંગ્રેસ તેના વર્ષના શાસનમાં ગામડામાં શૌચાલય પણ બનાવી નહોતી શકી. ગામડામાં રહેતી દેશની માતાઓ-બહેનોને શૌચાલય બનાવી આપીને નરેન્દ્રભાઈએ માતાઓ બહેનોનું સન્માન જાળવવા માટે ખૂબ જ અગત્યનું કાર્ય કર્યું છે.