રાષ્ટ્રીય જનતા દળે લોકસભાની ચૂંટણી માટે સોમવારે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. તેજસ્વી યાદવે પોતાના મેનિફેસ્ટોને ’પ્રતિબદ્ધતા પત્ર’ નામ આપ્યું છે. આ મેનિફેસ્ટોમાં સરકારી નોકરીમાં પ્રમોશન, અનામત, ખાનગી ક્ષેત્રમાં અનામત અને બદલી રોકવાના પ્રયાસોની વાત કરવામાં આવી છે. આ સિવાય તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, કોર્ટમાં પણ દલિત-બહુજનના પ્રતિનિધિત્વને સુનિશ્ચિત કરવામાં આવશે.
તેજસ્વી યાદવે પોતાના મેનિફેસ્ટોમાં વસ્તી આધારે અનામત આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત જીડીપીના ચાર ટકા આરોગ્ય પાછળ ખર્ચાશે. સાત અને આઠ ધોરણ પાસ વિદ્યાર્થીઓને પણ લશ્કરમાં ભરતી કરવામાં આવશે. આ સિવાય રોજગારી વધારવા માટે એક્શન પ્લાન પણ બનાવવામાં આવશે.
આ સાથે તેમણે જણાવ્યું હતું કે, સરકારી નોકરીઓમાં ખાલી પડેલી જગ્યાઓની ભરતી લાવવામાં આવશે. એટલું જ નહીં યાદવે કોંગ્રેસની ન્યાય યોજનાને પણ સમર્થન આપ્યું હતું. ગરીબ સવર્ણોના અનામતનો મુદ્દો ઉઠાવતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, મોદી સરકારે અમીર સવર્ણોને અનામતનો લાભ આપ્યો છે.