ફરાર શરાબ કારોબારી વિજય માલ્યાને ભારત લાવવાની આશા ઉજ્જવળ બની છે. લંડન કોર્ટે પ્રત્યાર્પણની સામે માલ્યાની અરજીને ફગાવી દીધી છે. હકીકતમાં પ્રત્યાર્પણની સામે અરજી દાખલ કરીને માલ્યાએ પોતાને બચાવવાના વધુ પ્રયાસો કર્યા હતા પરંતુ કોર્ટે વિજય માલ્યાને જોરદાર ઝટકો આપી દીધો છે. આ પહેલા બ્રિટનના હોમ સેક્રેટરી સાજિદ જાવેદે માલ્યાના પ્રત્યાર્પણ પર હસ્તાક્ષર કરી દીધા હતા. યુકે સરકારના આ નિર્ણયની સામે માલ્યા દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. યુકે જ્યુડિશિયરીના એક પ્રવક્તાએ કહ્યું છે કે, કોર્ટે વિજય માલ્યાને પ્રત્યાર્પણની સામે અપીલ કરવાની મંજુરી આપી નથી.
જસ્ટિસ વિલિયમ ડેવિસે પાંચમી એપ્રિલના દિવસે પ્રત્યાર્પણની સામે અપીલ કરવાની મંજુરી આપવાની તેમની અરજીને અસ્વીકાર કરી દેવામાં આવી છે.
પ્રવક્તાએ કહ્યું છે કે, માલ્યાની પાસે હવે મૌખિક વિચાર કરવા માટે અરજી કરવા પાંચ દિવસનો સમય છે. જો ફરીથી કોઇ અરજી કરવામાં આવે છે તો આ મામલો હાઈકોર્ટના જજની સામે રજૂ કરવામાં આવશે.
બ્રિટિશ કાયદા મુજબ ફેરવિચારણા પ્રક્રિયાને ટૂંકી મૌખિક સુનાવણી થશે જેમાં માલ્યા અને ભારત સરકાર તરફથી વર્તમાન ટીમોની તરફથી દલીલો રજૂ કરવામાં આવશે. માલ્યા માર્ચ ૨૦૧૬થી બ્રિટનમાં છે. એપ્રિલ ૨૦૧૭માં પ્રત્યાર્પણ વોરંટ જારી કરવામાં આવ્યા બાદ જામીન પર છે. ઇડી અને સીબીઆઈ બંને દ્વારા માલ્યાની સામે નવ હજાર કરોડ રૂપિયાથી વધુના બેંક છેતરપિંડી મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. માલ્યાને હાલમાં ૧૮૩૨૫.૩૧ પાઉન્ડની મહત્તમ રકમ એક સપ્તાહમાં ખર્ચ કરવાની મંજુરી છે. માલ્યાની તકલીફ હવે દિન પ્રતિદિન વધી રહી છે.