ચૂંટણી નજીક આવતા નેતાઓએ એકબીજા પર આક્ષેપો કરવાનું શરૂ કરી દીધું છે. ઉત્તર પ્રદેશના બિજનૌરમાં એક રેલી દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસે પર પ્રહારો કર્યા હતા. યોગીએ જણાવ્યું હતું કે, બાપુ (મહાત્મા ગાંધી)એ ૧૯૪૭માં કહ્યું હતું કે કોંગ્રેસનું કામ સમાપ્ત થઇ ગયું છે, હવે કોંગ્રેસનું વિસર્જન કરી દો. તેઓ જાણતા હતા કે કોંગ્રેસનો અર્થ હવે એક પરિવાર થઇ જશે. હવે પાર્ટીનું વિસર્જન થશે. યોગી આદિત્યનાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, બાપુના સ્વપ્નને સાકાર કરવા માટે ભાઇ-બહેન આવી ગયા છે. બંને પાર્ટીનું વિસર્જન કરશે. તેમણે બિજનૌરના કોંગ્રેસ ઉમેદવાર નસીમુદ્દીન સિદ્દીકી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, ભાઇ-બહેને જે ઉમેદવારને ટિકિટ આપી છે તેણે ગઇ ચૂંટણીમાં બહેનજી (માયાવતી)ને ઝીરો પર પહોંચાડી દીધા હતા. હવે આ વખતે ભાઇ-બહેન ઝીરો પર પહોંચી જશે. તેમાં કોઇ બે મત નથી.
તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસની માનસિકતા દેશમાં પાકિસ્તાનની ઝંડો ફરકાવવાની છે. રાહુલ ગાંધીના ઉમેદવારી પત્ર ભર્યા બાદ રેલીમાં ભારતના રાષ્ટ્રધ્વજને બદલે પાકિસ્તાની ઝંડો ફરકાવાયો હતો.