માતાના ગર્ભમાં પિંડબીજ રચાતાં બાળકનો આ જીવસૃષ્ટિમાં પ્રવેશ થાય છે. તેની આસપાસ એક ચોક્કસ આવરણ રચાયેલું હોય છે. તે બાળકનું માતાના ઉદરમાં રક્ષણ કરે છે. પરિણામે માતા ગમે તેવા ખાટા, ખારા, તીખા, ગરમ-ઠંડા આહાર લે તો પણ તેને થેલી જેવું આ આવરણ રક્ષણ આપે છે. એટલું જ નહિ બાળકને તેના ઉછેર માટે પોષણ મળી રહે તેવો સુરક્ષિત પ્રબંધ પણ પરમકૃપાળુ પરમેશ્વરે કરી અદ્ભૂત લીલા વડે પોતાની કરુણાના દર્શન કરાવ્યા છે. આવરણમાં રહેવા ટેવાયેલો આ જીવાત્મા જન્મતા જ તેની આદત મુજબ માયાનું આવરણ ધારણ કરવા લાગે છે. સમય જતા આ આવરણ લોખંડી જેલ જેવું મજબૂત બનવા લાગે છે. પછી તેમાંથી માણસ કેમેય કરી મુક્ત થઈ શકતો નથી. દિવસે-દિવસે તે તેમાં ફસાતો જાય છે. તેમાથી બહાર નીકળી માયામાંથી મુક્ત થવા તે તેના અંતરના દ્વાર સુધી પહોંચી શકતો નથી. ચોતરફ પથરાયેલું અજ્ઞાનનું તિમિર તેને રોકે છે. તે દિશા શોધી અહંકારની બેડીઓ તોડી આગળ વધી શકતો નથી. માણસ પોતાની બાહ્ય દુનિયામાં ખૂબ જ આગળ વધવા દિનપ્રતિદિન પ્રગતિ કરી રહ્યો છે. અંતરીક્ષમાં પણ પોતાના પરાક્રમો કરવાનું બાકી રાખ્યું નથી. કરોડો ટન લોખંડ આકાશમાં તેણે તરતું મૂકી માનવીનું ભાવિ ધૂંધળું કરી નાખ્યું છે. ખબર નથી તેને શું મેળવવું છે? વૈભવી લાલચે તેને આંધળો કરી મૂક્યો છે. મોહ માયાના મતલબે તેને સ્વાર્થી કરી દીધો છે. આપણા ભારતની વાત કરીએ તો લોકશાહીના નામે લોકોને ભરમાવી સત્તાની ખુરશી એન-કેન રીતે મેળવી લેવામાં સફળ થતા નેતાઓ ડગલે ને પગલે નજરે પડે છે. અસત્યની ઢાલ લઈ તે સંસાર ભૂમિનું યુદ્ધ જીતવા નીકળી પડ્યા છે. નેપોલિયન જેમ સત્તાના મોર્ચે જીત મેળવ્યા પછી પણ દુઃખી-દુઃખી થઈ ગયો હતો, તેમ પરિણામ લગભગ નક્કી હોવા છતાં લાલચ કોઈ પણ રીતે રોકી શકાતી નથી. આપણે એ ભૂલી જઈએ છીએ કે સૂર્યના ઉદય સમયે સોનાનાં દેખાતા નળિયા સૂર્ય ચડતાં જ પુનઃ માટીના દેખાવા લાગે છે. ઝાંઝવાનું જળ કદી તરસ છિપાવી શકતું નથી. કાગળ પરની ઈમારત ગરમી, ઠંડી, વરસાદમાં રક્ષણ આપી શકતી નથી. એવી જ રીતે માણસને પણ સત્તા, સંપત્તિ વડે મળેલુ વૈભવી સુખ શાંતિ આપી શકતું નથી. તેથી તેની પાછળ ભરેલી હરણદોટ નિરર્થક છે. તેમ છતાં માણસ આ બધું જ મેળવવા અનેક અસત્યોનો આશરો લેતો રહે છે. ધન, સંપત્તિ અને સત્તાની ખુરશી મેળવવા તે રચ્યો-પચ્યો રહે છે. આવી સફળતા મેળવનાર લોકોની જગત પણ ખાસ નોંધ લે છે એટલે જ કદાચ સંસારનો ત્યાગ કરી મોક્ષના માર્ગે આગળ ધપવા સાધુ બનેલા લોકો એકા-એક તેની માયા સંકેલી રાજકીય ક્ષેત્રે જંપલાવી રહ્યા છે. તેમાના ઘણા મોટા નેતા પણ બની ગયા છે. આવા લોકો કહેવાતા ત્યાગના નામે સત્તાના સિંહાસને બિરાજમાન થઈ રહ્યા છે પણ તેઓ અંતરના ઉઘડેલા દ્વારને સ્પર્શ્યા વિના જ પાછા ફરી રહ્યા છે. ખરા અર્થમાં તો આ તેની કાયરતા જ છે. એટલે મને મોક્ષમાર્ગે આગળ ધપવા ઇચ્છતા મહાત્માઓને કહેવાનું મન થાય.
‘ડંકો વાગ્યો ને શૂરા સૌ જાગજો રે, શૂરા જાગજો રે;
કાયર ભાગજો રે… ડંકો વાગ્યો ને…’
આવા કહેવાતા ત્યાગી અને ઢોંગી લોકો પ્રજા કલ્યાણની વાતો કરી ભોળી પ્રજાને તો ગેરમાર્ગે દોરી સત્તા મેળવી લેવામાં સફળ થતા હોય છે. પણ ખરું પૂછો તો તેઓ પોતાની જાતને જ છેતરતાં હોય છે, એટલું જ નહિ કહેવાતી સફળતા મળવા છતાં આવા લોકો ભીતરમાં વ્યાપેલા અંધકારના લીધે જ્ઞાનના પ્રકાશથી વંચિત રહી જાય છે. મોહમાયાની દીવાલ વચ્ચે કચડાય મરે છે. અસત્યના વાઘા પહેરી ફરતા આ લોકો ઇશ્વરના નામે સત્તાની ખુરશી મેળવી લેવા કોઈ પણ જાતના ત્રાગા કરતા હોય છે. આમ કરી પોતાનો ખોટો સિક્કો ચલાવવામાં સફળ થઈ જતા હોય છે.
આ વાતને સમજવા મને એક વાર્તા યાદ આવે છે.
એક ગામ હતું. નામ એનું સુંદરપુર. તેના નામ પ્રમાણે ગામ ખૂબ જ સુંદર હતું. આ ગામના લોકો ભારે માયાળું હતા. આ ગામમાં એક કથાકાર રહેતા હતા. કથાકાર જગનદાસ ગામ લોકોને ઉપદેશાત્મક વાતો કરતા રહેતા હતા. બદલામાં દાન-દક્ષિણા પેટે જે કંઈ તેને મળતુ હતું. તેમાથી જ કથાકાર પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરતા હતા. ગામ લોકો પર જગનદાસનું ભારે પ્રભુત્વ રહેતું હતું. કોઈ પણ મહત્ત્વના કાર્યો કરતાં પહેલાં લોકો તેમની જ સલાહ લેતાં હતાં. આ કારણે ધીરે-ધીરે જગનદાસના સ્વભાવમાં અભિમાન પ્રવેશ્યું હતું. પોતાની હા માં હા મિલાવે એ વ્યક્તિ સામે કોઈ પણ જાતની તકલીફ ન હતી. પરંતુ પોતાની સામે આંગળી ઊઠાવનાર વ્યક્તિ તેના માટે અપ્રિય બની જતી હતી. લોકો આ વાત સારી રીતે જાણતા હતા પણ તેઓ લાચાર હતા; કારણકે જગનદાસ ગામના એક માત્ર કથાકાર હતા. જ્યાં એક પણ ઝાડ હોતું નથી ત્યાં તો એરંડોય પુજાતો હોય છે. આપણા દેશમાં રાજનેતાઓની બાબતમાં આવું જ બનતું હોય છે. નેતાશ્રીને જે પક્ષમાં માનપાન જમવા મેવા મળે, તે પક્ષમાં આપણા નેતા ફાવે ત્યારે પક્ષપલટો કરી જતા રહે છે. પછી જનતાએ પણ તેની પાછળ-પાછળ તે કહે તેવી વિચારધારા ધરાવતા પક્ષની તરફેણ કરવાની નોબત આવી પડે છે. પોતાનો કિંમતી મત આપવાનો અનિચ્છાએ પડકાર ઝીલવો પડે છે. બોલો છે ને લાચારી અને દયનીય વાત! જ્યાં ઇજારાશાહી હોય ત્યાં આવું જ બને છે. પરંતું જેનો આરંભ થાય છે તેનો અંત નિશ્ચિત હોય છે. વાર્તાને આગળ ધપાવું તો, બાજુમાં આવેલા ડુંગરપુર ગામના વતની ખૂબ જ્ઞાની કથાકાર ભગવાનદાસ ગામમાં થોડા સમય માટે રહેવા આવી પહોંચે છે. થોડા જ સમયમાં જગનદાસના એકતરફી ઇજારાનો એકાએક અંત આવે છે. હવે જગનદાસની હાલત દિવસે-દિવસે બગડવા લાગે છે. ખાવાના સાંસાં પડવા લાગે છે. મને તુલસીદાસની પંક્તિ યાદ આવે છે. ‘તુલસી હાય ગરીબ કી કબૂ ના ખાલી જાય, મૂવે ઢોર કે ચામસે લોહા ભશ્મ હો જાય.’ પોતાના અંગત લાભ માટે જનતાનો વિચાર કર્યા વિના જે નેતાઓ પાટલી બદલી દેશને કારણ વિનાના ચૂંટણી ખર્ચમાં ઉતારે છે. તેનું ભાવિ પણ પેલા કથાકાર જેવું આજ નહિ તો કાલ થવાનું નિશ્ચિત છે. આવા નેતાનું આ ક?ત્ય એક વખત તેની હાલત અર્થાત્ પરિસ્થિતિ પલટી શકે છે. એરંડો પ્રધાનપદ લાંબો સમય ટકાવી શકતો નથી. એમ ગામમાં ભગવાનદાસની વિદ્વતા અંગે ચોતરફ વાયુવેગે વાત વહેતી થતા, ગામ લોકો જગનદાસનો બહિષ્કાર કરવા લાગે છે. આવું આપણા રાજકારણમાં પણ શક્ય છે. બિલાડીના ટોપ માફક ફૂટી નીકળેલા નેતાઓને આ વાત પૂરેપૂરી લાગું પડે છે. કારણ કે ખોટા વાયદા, ખોટી મનઘડંત ઉપજાવી કાઢેલી વાતો વડે લાંબો સમય રાજ સિંહાસન ટકતું હોતું નથી. સત્ય હંમેશાં બહાર આવ્યા વિના રહેતું નથી.
આપણા દેશમાં તમારે જો સરકારી પટાવાળા થવું હોય એટલે કે તમારે તેની નોકરી મેળવવી હોય તો ધોરણ ૮ કે ધોરણ ૧૦ પાસ કરેલું તો હોવું જ જોઈએ. પણ તમારે ધારાસભ્ય કે સંસદસભ્ય બનવું હોય તો ભણતરની કોઈ જરૂર નથી, કારણ કે ઓફિસ કામમાં ફાઈલો આમતેમ મૂકવામાં, તેની ગોઠવણ કરવામાં કે સફાઈમાં શિક્ષણ હોવું અનિવાર્ય છે. પણ દેશ કે રાજ્યનો વહીવટ ચલાવામાં તેની કોઈ જરૂર પડતી નથી. તમે સમજ્યા નહિ, રાજ તો આપણા અધિકારીઓ ચલાવાના જ છે ને? આપણે તો ખાતમહૂર્ત, ઉદ્ઘાટન, દેશ-વિદેશના પ્રવાસો કરવાના હોય એમાં ક્યાં શિક્ષણની જરૂર પડવાની હતી! આપણે તો પેલા શ્વાનની જેમ માત્ર ગાડું ચલાવાનો જશ લેવાનો હોય છે. નેતાઓની આ માનસિકતા મને ને તમને ઠેર-ઠેર નજરે પડતી દેખાય છે.
સૈનિકોને શિક્ષણ તાલીમ આપતી અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, તે આવકારદાયક ગણી શકાય તેવું કામ છે. સુરક્ષા માટે તે અનિવાર્ય પણ છે. પરંતુ જે રાજનેતાઓને રાજ્ય કે દેશનું સુકાન સંભાળવાનું છે. તે નેતા શિક્ષિત નહિ હોય તો તે નીતિઓ શી રીતે ઘડી શકશે? લોકતંત્રના રક્ષણ અને તેની સંભાળ માટે રાજકારણમાં શિક્ષિત અને ખાસ તાલીમ પામેલા ઉમેદવારોને જ ચૂંટણી લડવા માટે લાયક ઠેરવવા જોઈએ. સ્નાતક સુધીનો તેના માટે ખાસ અભ્યાસક્રમ તૈયાર થવો જોઈએ. આવા સ્નાતક લોકો માટે વધારાનો ઓછામાં ઓછો બે વર્ષનો તાલીમી અભ્યાસ પૂર્ણ કરવાનું પણ ફરજિયાત હોવું જોઈએ. જો આમ થશે તો દેશ નવી ઊંચાઈઓ આંબી વિશ્વનો આદર્શ દેશ બની શકશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સૈનિકો દેશ ખાતર પોનાનું બલીદાન આપતાં પણ ખચકાતાં નથી. તેમ રાજકીયક્ષેત્રે કામ કરવા ઇચ્છતા નેતાઓ પ્રજાના કાલ્યાણ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેશની સેવા કરવા આગળ આવે તેવું, તેને અગાઉથી પ્રશિક્ષણ આપવાનો પ્રબંધ થવો જોઈએ. સૈનિકોની ભરતીમાં આપણે ઘણા બધા માપદંડો અપનાવતા હોઈએ છીએ, પણ દેશ ચલાવાની જવાબદારી જેના શિરે મૂકવા આપણે નેતાની પસંદગી કરીએ છીએ. તેમાં કોઈ પણ પ્રકારનો માપદંડ અપનાવામાં આવતો નથી. તેથી નોકરી કે ધંધામાં પણ તદ્દન નિષ્ફળ ગયેલા અનેક લોકો રાજકારણમાં જંપલાવતા હોય છે. રાજકારણમાં કૂદી પડતા આવા નેતાઓને જનતાની સેવા કરતા પૈસા કમાવામાં વધુ રસ હોય છે. જેના કારણે દિન-પ્રતિદિન ભ્રષ્ટાચારનું દુષણ વધતું ને વકરતું જાય છે. સૈનિકો દેશ માટે પોતાની મૂલ્યવાન જિંદગીનું બલિદાન આપતા ખચકાતા નથી. જ્યારે બીજી તરફ આપણા રાજનેતાઓ તો એક દમડીએ ખોવા માગતા નથી. એટલે તો આ લોકોને પક્ષપલટા માટે જેવી હાકલ કરવામાં આવે છે, તેવા જ બધા સિદ્ધાંતો બાજુ પર મૂકી પક્ષપલટો કરવા તૈયાર થઈ જાય છે. હકીકતમાં તો સત્તાના સિંહાસન પર બિરાજમાન દરેક નેતા સેવા અને પ્રજાનાં કલ્યાણને વરેલો હોવો જોઈએ.
એક સમયે કહેવાતું હતું કે-
‘જહા ડાલ-ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈં બસેરાં…
વો ભારત દેશ હૈં મેરાં. વો ભારત દેશ હૈં મેરાં.’
અહીં કવિ કોઈ સ્થૂળ વ?ક્ષની ડાળ પર બેઠેલી ચકલીની વાત કરતા નથી. કવિ તો આ દેશની વિરાસત કે તેની સંસ્ક?તિરૂપી સોના સરખી આ દેશની પરંપરાની વાત કરે છે. વ?ક્ષની ડાળ પર બેઠેલી સોનાની ચકલીનું ઉદાહરણ આપી, કવિ મને ને તમને સત્યનું આચરણ કરવા હાકલ કરી કહેવા માગે છે.
‘કાશ ખૂલે ફરિયાદી ફાટક ઇશ વાત અમસ્તી રાખું,
પાંદડીઓ સુકાતી જોઈ દિલમહીં હું દાજુ.
બાહ્ય બંધ દૃષ્ટિના દ્વાર દેખી,
ઉર ઉષાના શીતળ તેજે અંતર મારું સજાવું.’
આ કાવ્યાત્મક પંક્તિઓએ મારા હૃદયમાં મોટું ઘમસાણ મચાવી દીધું છે, એટલે મને એમ કહેવાનું મન થાય-
‘કાશ, ખૂલે અંતરના દ્વાર.’