અમદાવાદના પોશ વિસ્તાર પ્રહલાદ નગરના પ્રખ્યાત દેવ ઓરમ બિલ્ડિંગમાં સોમવારે આગ લાગી હતી. ફાયર બ્રિગેડે બિલ્ડીંગમા ફસાયેલા ૧૦૦થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા. આ ઘટના બાદ અ.મ્યુ.કો.એ સમગ્ર ઇમારતને સીલ કરી હતી. પરંતુ સીલની કામગીરીમાં એક રેસ્ટોરન્ટમાં ૪ કર્મચારીઓ અંદર જ પૂરાઈ ગયા હતા. સવારે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.
અમદાવાદના પોશ વિસ્તાર એવા પ્રહલાદનગર રોડ પર આવેલી દેવ ઓરમ બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના બાદ મ્યુનિસિપલ તંત્ર સફાળુ જાગ્યું છે. દેવ ઓરમ બિલ્ડીગમાં ફાયરસેફ્ટીની સિસ્ટમ એક્ટિવ ન હોવાના કારણે અને ફાયર એનઓસી ન હોવાના કારણે એએમસી તંત્રએ સિલીંગની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં દેવઓરમ બિઝનેસ ઇમારતના તમામ ૩ બ્લોકના ૨૮૦ ઓફિસ યુનિટ તેમજ ૪૮ કમર્િશયલ યુનિટ સીલ કરી દીધા છે.
મધરાતે હાથ ધરાયેલી સિલીંગ કામગીરી દરમ્યાન એક રેસ્ટેરન્ટમાં ૪ જેટલા કર્મચારીઓ પુરાઇ ગયા હતા. જેની જાણ સવારે થઈ હતી. આ જાણ થતા જ સવારે તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. સિલીંગની કામગીરીને કારણે વિવિધ હોટલો, હોસ્પિટલ અને બેંકો સહિતનો સ્ટાફ પરેશાન થતા તેઓએ તંત્ર સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો.
આગની આ ગંભીર ઘટનામાં ૧૦૦થી વધુ લોકો ફસાયા હતા અને સમગ્ર અમદાવાદ શહેરમાં ભયનો માહોલ ફેલાયો હતો, ત્યારે અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક એવા ભાજપના મેયર બિજલ પટેલ ગુમ થઈ ગયા હતા. માત્ર એટલું જ નહીં, ભાજપના નેતાઓ તો ઠીક સ્થાનિક કોર્પોરેટરો પણ ઘટનાસ્થળે ફરક્યા નહોતા. આ સમયે મેયર તો ભાજપના મેનિફેસ્ટોનું સોશિયલ મીડીયામાં પ્રમોશન કરવામાં વ્યસ્ત હતા.