ગરમીની સાથે શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનાં બજેટ ખોરવાયાં

593

કાળઝાળ ગરમીની શરૂઆતની સાથે સાથે જ બજારમાં મળતા ભીંડાથી લઈને ભાજી સુધીના વધેલા ભાવ ગૃહિણીઓને દઝાડી રહ્યા છે. નિયમિત પાક ગણાતા ભીંડા તુરિયાં કે ટીંડોળાના ભાવ પણ આસમાને છે તો ઉનાળાના સિઝન ગણાતાં તુરિયાં, ગલકાં અને ગવાર ઊંચા ભાવે વેચાઇ રહ્યાં છે. જેના પ્રમાણમાં ફળોના ભાવ ગૃહિણીઓના બજેટને ભર ઉનાળે ઠંડક આપી રહ્યા છે. દ્રાક્ષ, તરબૂચ, ટેટી, દાડમ અને કેળાંના ભાવ ભર ઉનાળે લોકોનાં ખિસ્સાંને પોસાય તે ભાવે વેચાણ થઇ રહ્યાં છે.

સિઝનલ ફળોના ભાવમાં ગત વર્ષની સરખામણીએ કિલો દીઠ રૂ. ૧૦ થી ૧૫નો ઘટાડો નોંધાયો છે. હજુ કેરીની સિઝન શરૂ થઇ નથી. છેલ્લા એક અઠવાડિયામાં શાકભાજીના ભાવ ૨૦ થી ૩૦ ટકા વધ્યા છે. એપીએમસી માર્કેટના વેપારી જયેશ પટેલે કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતથી આવતા રેગ્યુલર પાક ગણાતા દૂધી, ભીંડા, પરવળ, ગલકાં, તુરિયાંના ઉત્પાદનમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. નબળો વરસાદ, ઓછું ઉત્પાદનના કારણે શાકભાજીના ભાવ ઊંચકાયા છે. જેમાં કારેલાં, ભીંડા અને ટીંડોળાંની માગ વધુ હોઇ તેના ભાવ સૌથી વધારે છે.

શાકભાજીના ભાવમાં કોબી ૬૦ થી ૭૦, ટીંડોળાં ૧૦૦ થી ૧૧૦, રીંગણ ૬૦ થી ૭૦, દૂધી ૬૦ થી ૭૦, કારેલાં ૮૦ થી ૧૦૦, ગવાર ૧૦૦ થી ૧૧૦, કાકડી ૧૦૦ થી ૧૧૦, પરવળ ૧૦૦ થી ૧ર૦, ગલકાં ૮૦ થી ૯૦, ટામેટાં ૩૦ થી ૪૦, વટાણા ૧ર૦ થી ૧૪૦, ભીંડા ૧૦૦ થી ૧૧૦ લીલાં મરચાં રૂ.૭૦.

Previous articleટેમ્પોએ ટક્કર મારતા બે જૈન સાધ્વીનાં ઘટનાસ્થળે જ મોત
Next articleગ્લોબલ સ્કૂલની દાદાગીરી સામે વાલીઓમાં રોષ, સીએમને મળવા પહોંચ્યા