મોદી વિરૂદ્ધ કોંગી નેતાઓના શબ્દો આઘાતજનક : પંડ્યા

671

પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્‌યાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, કોંગ્રેસની નેતાગીરીમાંથી હાંસીયામાં ફેકાઇ ગયેલા નેતાઓ પોતાનું અસ્તિત્વ બતાવવા માટે મીડિયામાં ચમકવા અમારા નેતાને ગાળાગાળી કરીને જુઠા આક્ષેપો કરે છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ ગુજરાતના પનોતાપુત્ર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે બેફામ ઉચ્ચારણો કરવા બદલ તીવ્ર પ્રતિક્રિયા આપતાં પંડ્‌યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ માનસિક સંતુલન ગુમાવી રહી છે. કોંગ્રેસ પક્ષ પ્રજામાં જઇ શકતો નથી, અને કોંગ્રેસ ભારે હતાશામાં હોઇ અને પોતાની હાર ભાળી ચૂકી છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વમાં ગુજરાત અને ભારત દેશના માન, સન્માન, ગૌરવનો ડંકો વગાડનાર નરેન્દ્ર મોદી માટે આવા શબ્દોનો ઉપયોગ આઘાતજનક, અશોભનીય અને નિંદનીય છે. ગુજરાતને નર્મદા યોજના દ્વારા પાણી આપનાર અને ગુજરાત અને દેશના સર્વાંગી વિકાસમાં દેશને વિશ્વમાં સ્થાન અપાયું છે ત્યારે તેમના માટે આ પ્રકારના શબ્દો ગુજરાતનું તેમજ દેશનું અપમાન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિશ્વના અનેક દેશોએ પ્રતિષ્ઠિત સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા છે, ત્યારે તેમના માટે આ પ્રકારની નિમ્ન સ્તરની ભાષા એ કોંગ્રેસના કુસંસ્કાર બતાવે છે.  પંડ્‌યાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે આતંકવાદનો સફાયો કરવાની નીતિઓ બનાવીને ભારતીય સેનાને છૂટો દોર આપીને આતંકવાદીઓના અડ્ડાઓ, ટ્રેનીંગ સેન્ટરો, આશ્રયો વગેરેનો એર સ્ટ્રાઇક કરી સફાયો કરાવ્યો છે, ત્યારે વિશ્વના દેશોમાં આ મુદે તેમની સરાહના થાય છે, અને પાકિસ્તાનને પણ આતંકવાદના મુદે રક્ષણ આપવાનું બંધ કરે તેવા નિવેદનો કરે છે ત્યારે કોંગ્રેસ પાકિસ્તાનની પડખે રહીને પાકિસ્તાન જવાબદાર નથી તેવા નિવેદનો કરીને પાકિસ્તાનની ભાષા બોલે છે.

વિશ્વ આખું પાકિસ્તાનના મુદે ભારતની પડખે ઉભુ રહ્યું છે ત્યારે કોંગ્રેસ પાકિસ્તાનના પડખે ઉભા રહેવાની ચેષ્ટા કરીને આતંકવાદ તરફી અને દેશ વિરોધી તેમની માનસિકતા પ્રદર્શીત કરી છે. કોંગ્રેસની ગાળાગાળી અને અને પાકીસ્તાન તરફી ભાષાનો ગુજરાતની તેમજ દેશની જનતા આગામી ચૂંટણીમાં જવાબ આપશે. ગુજરાતની જનતા ભાજપાના લોકસભાની ચૂંટણીમાં ૨૬ કમળને વિજયી બનાવી નરેન્દ્ર મોદીને ફરી એકવાર પ્રધાનમંત્રીપદે દેશ સેવા અને વિકાસ કાર્યો અર્થે સત્તારૂઢ કરશે તેવો વિશ્વાસ પંડયાએ વ્યક્ત કર્યો છે.

Previous article૩ ધારાસભ્યોના ગાંધીનગર કૃષિભવન ખાતે ધરણાં
Next article૧૫મી એપ્રિલે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે, જાહેરસભા સંબોધશે