દરેક વ્યક્તિના બેન્ક એકાઉન્ટમાં ૧૫ લાખ રુપિયા આવશે તેવો વાયદો પૂરો ક્યારે થશે તેવુ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો અવાર નવાર ભાજપને યાદ દેવડાવીને ટોણો મારવાનુ ચૂકતા નથી.
આ મુદ્દો ભાજપ માટે ગળાની ફાંસ જેવો બની ગયો છે.૨૦૧૪ની ચૂંટણી બાદ ૨૦૧૯ની ચૂંટણીમાં પણ ભાજપ વિરોધીઓ આ મુદ્દાનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ભાજપના નેતા અને મોદી સરકારમાં ગૃહ મંત્રી રાજનાથસિંહે હવે કહ્યુ છે કે, અમે ક્યારેય કહ્યુ જ નથી કે, લોકોના ખાતામાં ૧૫ લાખ રુપિયા આવશે.
૨૦૧૪ની ચૂંટણીમાં અમે ક્યારેય લોકોને એવો વાયદો કર્યો નહોતો. રાજનાથસિંહે આપેલા ઈન્ટરવ્યૂમાં ભારપૂર્વક આ વાત કહીને દોહરાવ્યુ હતુ કે, ક્યારે પણ નહોતુ કહ્યુ કે, ૧૫ લાખ જમા થશે, ક્યારે પણ નહી. રાજનાથ સિંહે વિપક્ષી નેતાઓ અને તેમના નજીકના ત્યાં ઇનકમ ટેક્સ અને ઇડી દ્વારા પાડવામાં આવેલા દરોડા અંગે કહ્યું કે તેને રાજકીય બદલાની કાર્યવાહી કહેવું ખોટું છે. જે એજન્સીઓ દરોડા પાડી રહી છે તે સ્વાયત છે. ચૂંટણી આચારસંહિતા તેના પર લાગૂ થતી નથી. તેઓ પોતાના ઇનપુટના આધાર પર કાર્યવાહી કરી રહ્યું છે, અમે તેને કેવી રીતે રોકી શકીએ.
રાજનાથ સિંહે કહ્યું કે બાલાકોટ એર સ્ટ્રાઇક પર સરકારને પ્રશ્ન પૂછો પરંતુ સુરક્ષા બળો પાસે કોઇપણ પ્રકારના પુરાવા ના માંગો.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં અમિત શાહને પણ આ સવાલ પૂછાયો ત્યારે તેમણે કહ્યુ હતુ કે, પંદર લાખ જમા થશે તે વાત જુમલો હતી.