ભાજપના સિનિયર નેતા નીતિન ગડકરીએ સોમવારે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કરતા કહ્યું હતું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર રાજકીય લાભ માટે ભ્રષ્ટાચારના આડેધડ આક્ષેપ કરી રહ્યા છે. વડા પ્રધાન મોદીના હોદ્દાની ગરિમા જાળવીને રાહુલ ગાંધીએ માન આપવું જોઈએ.
દેશના ૨૦ ટકા ગરીબોને વર્ષે રૂ. ૭૨૦૦ આપવા લઘુતમ આવક યોજનાની ટીકા કરતા ગડકરીએ કહ્યું હતું કે ગરીબોના મત આકર્ષવા માત્ર છે. ભાજપના વરિષ્ઠ નેતા અડવાણી અને મુરલી મનોહર જોશી માટે તમામને માન છે. વિપક્ષોના આરોપને નકારી કાઢતા તેમણે કહ્યું હતું કે ૯૦ વર્ષની ઉપર વય ધરાવતા અડવાણીને આરામની જરૂર છે.
આ ઉંમરે કોઈ સક્રિય રહી શકે નહીં. વડા પ્રધાન ફક્ત એક પક્ષના નથી, પરંતુ દેશના છે તેમને માન આપવું જરૂરી છે. મમતા બેનરજી, રાહુલ ગાંધીથી લઈને તમામ વિપક્ષી નેતાઓ અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. કૉંગ્રેસની ‘ન્યાય’ યોજના પાછળ રૂ. ૩,૫૦,૦૦૦ કરોડની જરૂર પડશે તેને અમલ મૂકવું શક્ય નથી. આર્થિક બોજ બધાની કમર ભાંગી નાખશે. કૉંગ્રેસની વિશ્ર્વસનીયતા સારી નથી એમ તેમણે કહ્યું હતું. ૧૯૪૭થી કૉંગ્રેસ ગરીબી હઠાવોનું સૂત્ર આપી રહ્યું છે ત્યાર બાદ ૪૦ મુદ્દા, ૨૦ મુદ્દા અને પાંચ મુદ્દાના કાર્યક્રમ લાવ્યા હતા. તમામ નિષ્ફળ ગયા હતા.
દરેક પક્ષમાં કે જીવનમાં વ્યક્તિએ અમુક ઉંમર પછી નિવૃત્ત થવું પડે છે. કૉંગ્રેસ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધી મુદ્દાનું પણ રાજકારણ કરે છે તેવો આક્ષેપ કર્યો હતો. પ્રગતિ અને વિકાસની વાત કરવી જોઈએ. આગામી ચૂંટણીમાં ભાજપ અને સાથી પક્ષો સારી બહુમતી મેળવશે અને નરેન્દ્ર મોદી ફીર એક બાર પ્રધાનમંત્રી બનશે.