લોકસભા ચૂંટણીમાં રાજકીય દળોના પ્રચારની પ્રક્રિયામાં ચૂંટણી પંચ સતત કડક વલણ અપનાવી રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે બનેલું નમો ટીવી ફરી એકવાર વિવાદોમાં ઘેરાયેલુ છે. ચૂંટણી પંચે આને લઈને કડકાઈ વર્તાવી છે અને ભારતીય જનતા પાર્ટી પાસે જવાબ માગ્યો છે. આટલુ જ નહીં નમો ટીવીને ચૂંટણી પંચે એક રાજકીય જાહેરાતની શ્રેણીમાં મુક્યુ છે. આચાર સંહિતા લાગુ થયા બાદ બીજા રાજકીય દળોની જાહેરાતોની જેમ આને પણ પંચ પાસેથી મંજૂરી લેવી જોઈએ. આ જ કારણોસર આને ટેલિવિઝન ચેનલ નહીં પરંતુ એક રાજકીય વિજ્ઞાપન માનવામાં આવશે.
પંચ આ મુદ્દા વિશે ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન પણ કરશે અને તેની પર થનારા સમગ્ર ખર્ચની જાણકારી વાર્ષિક ઑડિટ રિપોર્ટમાં સામેલ કરવી પડશે. જોકે ભાજપે પહેલા જ જણાવી દીધુ છે કે તેણે આ ચેનલ પર થનારા ખર્ચનો ઑડિટ રિપોર્ટ આપ્યો છે. આ માટે ચૂંટણી પંચે દિલ્હીના મુખ્ય અધિકારીને મીડિયા પ્રમાણપત્ર અને દેખરેખ સમિતિ દ્વારા નમો ટીવી સામગ્રીને પ્રમાણિત કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. નમો ટીવી પર આવનારી તમામ જાહેરાતને આ કમિટીથી પસાર થવુ પડશે.