સરકારે મગફળી અને તુવેરનું ટેકાના ભાવે ખરીદી કર્યા બાદ હવે ઘઉંની પણ ૧,૮૪૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.
ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકા મથકો ઉપર ટેકાના ભાવે ઘઉં ખરીદવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ફક્ત દહેગામ તાલુકાના એપીએમસી માં જ ટેકાના ભાવે કેટલાક ખેડૂતોએ પોતાના ઘઉં ટેકાના ભાવે વેચ્યાં છે.
ખરેખર ટેકાના ભાવ કરતાં બજારમાં ઘઉંનો ભાવ વધુ હોવાના કારણે ખેડૂતો બજાર તરફ આકર્ષાયા છે. હાલમાં ૧૯૮૦ રૃપિયે ક્વિન્ટલ ઘઉં બજારમાં ખરીદાય છે.
રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૧૯-૨૦ અંતર્ગત ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ૨૦૩ જેટલા ખરીદ કેન્દ્રો, ગોડાઉન કેન્દ્રો ખાતે કરવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં માટે રૃા.૧,૮૪૦ પ્રતિ ક્વિન્ટલ નિયત કર્યા છે.
ત્યારે ગાંધીનગર જિલ્લામાં મગફળીની ટેકાના ભાવે સારી ખરીદી થયા બાદ ઘઉંની ખરીદી પણ ટેકાના ભાવે વધુ થશે તેમ માનીને માણસા, કલોલ અને ગાંધીનગરના માર્કેટયાર્ડમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પરંતુ અહીં ખેડૂતો ઘઉંના વેચાણ માટે આવતા જ નથી.ગાંધીનગર જિલ્લામાં ફક્ત દહેગામ માર્કેટયાર્ડમાં ખેડૂતોની નોંધણી થઇ હતી. ૩૦૦ જેટલા ખેડૂતોએ નોંધણી તો કરાવી હતી પરંતુ ટેકાના ભાવ કરતાં બજારમાં ભાવ વધુ હોવાના કારણે હાલ ખેડૂતો બજાર તરફ આકર્ષાયા છે.
ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી દહેગામના એક જ સેન્ટર ઉપર ઘઉંની ટેકાના ભાવે ખરીદી થઇ છે. તેમાં પણ ફક્ત ૭૨ ખેડૂતોએ પોતાના ૨૭૩૦.૪૫ ક્વિન્ટલ ઘઉં વેચ્યાં છે. તો બીજી બાજુ બજારમાં ૧૮૬૦ થી લઇને ૧૯૮૦ રૃપિયે ક્વિન્ટલ ઘઉં ખરીદાય રહ્યાં છે. જેના કારણે ખેડૂતો માણસા, દહેગામ અને કલોલના એપીએમસીમાં ઘઉં વેચવાનું મુનાસીફ સમજે છે. ટેકાનો ભાવ બજારના ભાવ કરતાં ઓછો હોવાના કારણે ખેડૂતો બજાર તરફ જતાં જોવા મળે છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંના વેચાણમાં નિરૃત્સાહ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં મળીને ઘઉંનું કુલ ૨૫,૮૬૧ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે એક અંદાજ પ્રમાણે સાડા ત્રણ હજાર કિલોગ્રામથી પણ વધુ ઘઉંનુ ઉત્પાદન એક હેક્ટરમાંથી થાય તેમ છે. આ અંદાજ પ્રમાણે ગણતરી કરતા ગાંધીનગર જિલ્લામાં કુલ ૯૦.૪૬ હજાર મેટ્રીક ટન ઉત્પાદન ઘઉંની શક્યતાં છે.