૧૯૭૧માં પાકિસ્તાનને વિભાજીત કરવા માટે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પ્રશંસા થઈ શકતી હોય તો પુલવામામાં આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કેમ થઈ શકે નહીં તેવી દલીલ કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહે કરી છે. તેમણે એક જાહરેસભામાં કહ્યું હતું કે પાકિસ્તાનના બાલાકોટમાં એક આતંકવાદી કેમ્પ પર એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા પર પ્રશ્નો ઉઠાવવા માટે રાજનાથ સિંહે કોંગ્રેસની ટીકા કરી હતી. ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું હતું કે ૨૬મી ફેબ્રુઆરીએ કરવામાં આવેલી એર સ્ટ્રાઈકને કારણે પાકિસ્તાન પણ ભયગ્રસ્ત અને ચિંતિત છે. જોકે, તેમની ચિંતા અને ભયને સમજી શકાય છે પરંતુ ભારતમાં પણ કેટલાક લોકો આ પ્રકારનું વાતાવરણ સર્જી રહ્યા છે તે સમજની બહાર છે.
રાજનાથ સિંહે કહ્યું, જો પાકિસ્તાનના વિભાજન માટે કરવામાં આવેલી કાર્યવાહી માટે દેશમાં ઈન્દિરા ગાંધીની પ્રશંસા થતી હોય તો પુલાવામા હુમલા પર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા બદલ નરેન્દ્ર મોદીએ લીધેલા પગલાની પણ પ્રશંસા થવી જ જોઈએ. પરંતુ તેને બદલે મોદીએ પાકિસ્તાન પર કરેલી આ એર સ્ટ્રાઈકથી કેટલાક લોકોને તકલીફ થઈ રહી છે.