પાકિસ્તાન સાથે સતત વણસી રહેલા સંબંધો અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયામાં નિર્મિત ૪૬૪ ટી-૯૦ ટેન્કની ખરીદીને મંજૂરી આપી છે. રૂપિયા ૧૩ હજાર ૫૦૦ કરોડમાં આ ડીલ કરવામાં આવી છે. આ નવા ૪૬૪ ટી-૯૦ ટેન્કો હવે ભારતીય સેનામાં સામેલ થશે અને સેનાની શક્તિમાં વધારો થશે.આ ટી-૯૦ ટેન્કોને પાકિસ્તાન સાથેની સંકળાયેલ સરહદ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, ભારત રશિયા પાસેથી ૪૬૪ ટી-૯૦ ટેન્ક ખરીદી રહ્યુ છે.
આ ડીલ પર ટૂંક સમયમાં બંને દેશ હસ્તાક્ષર કરશે. આ નવી ડીલ બાદ ભારતીય સેના પાસે ટેન્કોની સંખ્યા વધીને લગભગ ૨ હજાર જેટલી થશે. ભારત પાસે હાલ ટી-૭૨ અને ટી-૫૫ ટેન્ક છે.ભારતીય સેના અર્જુન માર્ક-૧ અને ૨ રેજીમેન્ટમાં હંમેશા તૈનાત રાખે છે. ભારતના બખ્તરબંધ રેજીમેન્ટમાં મુખ્ય રીતે ટી-૯૦, ટી-૭૨ અને અર્જુન ટેન્ક સામેલ છે. જો કે ભારતની જેમ પાકિસ્તાન પણ પોતાની સુરક્ષાને મજબૂત બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ભારતીય આર્મી પાસે લગભગ ૬૭ બખ્તરબંધ રેજીમેન્ટની તુલનામાં પાકિસ્તાન આર્મી પાસે આવા રેજીમેન્ટની સંખ્યા લગભગ ૫૧ છે.
નવા ટી-૯૦ ટેન્કની ખાસિયત એ છે કે રાતે પણ દુશ્મનોના કેમ્પ પર હુમલો કરવા સક્ષમ છે. આ ટેન્કોને ગુજરાત સહિત જમ્મૂ-કાશ્મીરમાં પાકિસ્તાન સરહદ પર તૈનાક કરવામાં આવશે. આ સાથે ભારતીય સેનાની તાકાતમાં વધારો થશે. રાજસ્થાનમાં આવેલ પાકિસ્તાનની સરહદ પર પહેલાથી જ ટી-૯૦ ટેન્ક તૈનાત કરવામાં આવેલ છે. ભારતીય સેના પાસે હાલમાં ૪૦૦૦ ટેન્ક છે, પરંતુ આ રાતે લડાઇ કરવામાં સક્ષમ નથી. ટી-૯૦ ટેન્ક મળ્યા બાદ આ સમસ્યા પૂર્ણ થઇ જશે.