સુપ્રીમ કોર્ટે રાફેલના મામલામાં આજે કેન્દ્ર સરકારને મોટો ફટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે રાફેલ મામલામાં રિવ્યુ પિટિશન ઉપર નવેસરના દસ્તાવેજોના આધાર પર સુનાવણી કરવાનો ફેંસલો કર્યો છે. સીજેઆઈ રંજન ગોગોઈના નેતૃત્વમાં ત્રણ સભ્યોની બેંચ દ્વારા સર્વસંમતિથી આ અંગેનો નિર્ણય કર્યો હતો. બેંચે કહ્યું છે કે, જે નવા દસ્તાવેજો ડોમેનમાં આવ્યા છે તેના આધાર પર મામલામાં રિવ્યુ પિટિશન ઉપર સુનાવણી કરવામાં આવશે. બેંચમાં સીજેઆઈ ઉપરાંત જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફ પણ હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા હવે રિવ્યુ પિટિશન ઉપર સુનાવણી માટે નવેસરની તારીખ નક્કી કરાશે. રાફેલ મામલામાં સુપ્રીમ કોર્ટને એ બાબત નક્કી કરવાની હતી કે, આની સાથે સંબંધિત ડિફેન્સના જે દસ્તાવેજો લીક થયા હતા તે આધાર પર રિવ્યુ પિટિશનની સુનાવણી કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં લીક દસ્તાવેજના આધાર પર રિવ્યુ પિટિશન પર સુનાવણીનો વિરોધ કર્યો હતો.
અને કહ્યું હતું કે, આ દસ્તાવેજ વિશેષાધિકારવાળા ગુપ્ત દસ્તાવેજ છે જેથી રિવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવે તે જરૂરી છે. સરકારે એમ પણ કહ્યું હતું કે, જે દસ્તાવેજ પ્રશાંત ભૂષણે રિવ્યુ પિટિશનની સાથે રજૂ કર્યા છે તે વિશેષાધિકારવાળા દસ્તાવેજ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા ગુપ્ત દસ્તાવેજ છે. રાફેલ ડિલમાં પોતાના ચુકાદા પર ફેરવિચારણા કરવાની માંગ કરતી અરજીઓ ઉપર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે છેલ્લે ૧૪મી માર્ચના દિવસે લીક દસ્તાવેજો ઉપર કેન્દ્રના વિષેશાધિકારના દાવા પર આદેશ અનામત રાખી દીધો હતો. હકીકતમાં કેન્દ્ર સરકારે એ વખતે રાફેલ યુદ્ધ વિમાનો સાથે સંબંધિત દસ્તાવેજો ઉપર વિશેષાધિકારનો દાવો કર્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, કેટલીક જોગવાઇ હેઠળ કોઇપણ સંબંધિત વિભાગની મંજુરી વગર કોઇપણ પુરાવા રજૂ કરી શકાય નહીં. એ વખતે એજીએ એમ પણ કહ્યું હતું કે, કોઇપણ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત દસ્તાવેજો પ્રકાશિત કરી શકે નહીં. રાષ્ટ્રની સુરક્ષા સર્વોપરી છે. અગાઉ ૧૪મી માર્ચના દિવસે વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, રાફેલના જે દસ્તાવેજો પર એટર્ની જનરલ વિશેષાધિકારનો દાવો કરી રહ્યા છે તે દસ્તાવેજો પ્રકાશિત થઇ ચુક્યા છે. સાર્વજનિક હદમાં છે. તેમણે કહ્યું હતું કે, માહિતી અધિકાર કાનૂન હેઠળ જોગવાઈ કહે છે કે, જનહિત અન્ય ચીજો કરતા સર્વોપરી છે. ગુપ્તચર સંસ્થાઓ સાથે સંબંધિત દસ્તાવેજો ઉપર કોઇપણ પ્રકારના વિશેષાધિકારના દાવા કરી શકાય નહીં. ભૂષણે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, રાફેલ ઉપરાંત એવા કોઇપણ અન્ય સંરક્ષણ સોદા નથી જેમાં કેગના રિપોર્ટમાં કિંમતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભૂષણે કહ્યું હતુ કે, રાફેલ સોદાબાજીમાં સરકાર-સરકારની વચ્ચે કોઇપણ કરાર નથી. કારણ કે આમા ફ્રાંસે કોઇપણ ગેરન્ટી આપી નથી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ કેએફ જોસેફની બનેલ બેંચ સમક્ષ કેન્દ્ર તરફથી એટર્ની જનરલ કેકે વેણુગોપાલે પોતાના સમર્થનમાં પુરાવાની કલમ ૧૨૩ અને માહિતી અધિકાર કાયદાની જોગવાઈનો ઉલ્લેખ કર્યો હતો. ચુકાદાની સમીક્ષા દરમિયાન સુપ્રીમ કોર્ટ હવે નવા દસ્તાવેજો અને પુરાવમાં પણ ધ્યાન આપશે.જે ડિફેન્સ દસ્તાવેજ લીક થયા છે તે મામલે રિવ્યુ પિટિશન પર સુનાવણી કરવામાં આવે કે કેમ તે બાબત પણ નજર હતી. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ આને લઇને પણ લોકસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન મુદ્દા ઉઠે તેવી શક્યતા છે.
રાફેલ ડીલને લઇને કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોના આરોપોનો સામનો કરી રહેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને તે પહેલા ૧૪મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે મોટી રાહત મળી હતી. કારણ કે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતા સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે તેને ફ્રાન્સ પાસેથી ૩૬ રાફેલ યુદ્ધ વિમાનોની ખરીદી કરવાના એનડીએ સરકારના નિર્ણયમાં કોઇ અનિયમિતતા મળી નથી.