શહેરના તરસમીયા રોડ પર આવેલ સોસાયટીમાં રહેતી મહિલાનું કેરોસીન છાંટી સળગી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના રીંગ રોડ પર આવેલી વારાહી સોસાયટીમાં રહેતા હિરાબેન શંકારભાઇ વાળા (ઉ.વ.૫૮)નામની મહિલાએ તેના ઘરે બિમારીથી કંટાળી જઇ જાતે કેરોસીન છાંટી સળગી જઇ આત્મહત્યા કરી લીધી. તેની લાશ આજે બુધવારે વહેલી સવારે તેના ઘરની બહાર ખાટલા પરથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગે તુરંત જ પોલીસને જાણ કરાતા સીટી ડીવાયએસપી મનિષ ઠાકર તથા ભરતનગર પો.સ્ટે.ના ઇ.ચા. પીઆઇ એમ.એચ.યાદવ સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. વારાહી સોસાયટીમાં બનેલી આ ઘટનાના પગલે લોકોના ટોળા એક્ઠા થયા હતા ત્યારે બનાવ અંગે મહિલાના પુત્ર તુષાર શંકરભાઇ વાળાએ પોલીસને આપેલા નિવેદનમાં તેની માતા હિરાબેન ડાયાબીટીસ તથા ટીબી સહિતની બિમારીથી છેલ્લા કેટલાક સમયથી પીડાતા હતા. પોલીસે મૃતકના પુત્ર તુષારના નિવેદનના આધારે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે અને લાશને પીએમ અર્થે હોસ્પીટલ ખસેડાઇ હતી. જો કે, બનાવ સ્થળે મહિલાને કોઇએ સળગાવી દીધી હોવાની પણ ચર્ચાઓ થઇ રહી હતી. આ બનાવ અંગે પીએમ રીપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ બહાર આવે તેમ જણાઇ રહ્યું છે.