એક પુરૂષ બાદ બે મહિલાને મતદાન કરવા જવા દેવાશે

504

ગાંધીનગર જિલ્લામાં લોકસભા ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી ગોઠવણ પ્રમાણે દરેક મતદાન મથક પર એક પુરુષ બાદ બે મહિલાને મતદાન કરવા જવા દેવાશે.

જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, દરેક વિધાનસભા મત વિસ્તારમાં મહિલા અધિકારી, કર્મચારીઓ દ્વારા જ સંચાલિત ૫ મહિલા મતદાન મથક તૈયાર કરાશે. તંત્ર દ્વારા ગરમીને ધ્યાને લઇ દરેક મતદાન કેન્દ્ર પર પીવાના ઠંડા પાણી તથા મેડિકલ ટીમ તૈનાત રાખવા સહિતની વ્યવસ્થા કરાશે.

અસુરક્ષિત જણાયેલા કે, અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ નક્કી કરાયેલા વિસ્તારમાં રાજકીય પક્ષ અને ઉમેદવારો કોઇ પ્રકારે મતદારોને પ્રભાવિત ન કરે તે માટે વિશેષ વોચ રખાશેે. મતદાનના દિવસ તારીખ મતદાન મથકની ફરતે ૧૦૦ મીટર વિસ્તારમાં અનધિકૃત વ્યક્તિ પ્રવેશી શકશે નહીં. રાજકીય પક્ષના કે, ઉમેદવારના પ્રતિક સાથે કોઇ ફરી શકશે નહીં. જે વિસ્તારના મતદાતા ન હોય અથવા ઉમેદવાર ન હોય તેવા વ્યક્તિને પણ અન્ય વિસ્તારમાં ચૂંટણીના કામથી જવા દેવાશે નહીં.

મતદાનના દિવસે કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વાયરલેસ સેટથી સજ્જ મોબાઇલ વાનમાં ક્વીક રિસ્પોન્સ ટીમને તૈયાર રખાશે. ક્યુઆરટીના અધિકારી અને પોલીસ જવાનો કોલ મળવાની સાથે જ સ્થળ પર પહોંચશે.

મતદાનના દિવસે ગેરરીતિ જોવા મળે કે મતદાન કરવામાં સમસ્યા થાય તો જિલ્લા કક્ષાનાં ફરિયાદ નિવારણ કંટ્રોલ રૂમ પર ફોન નંબર ૧૯૫૦ પર ફરિયાદ કરી શકાશે. દરેક તાલુકા મામલતદાર કચેરી અને નગરપાલિકા કચેરી પર ફોન કરી શકાશે.

Previous articleફાર્મસી કોલેજમાં થેલેસેમીયા ટેસ્ટનો કેમ્પ યોજાયો
Next articleમંદિરમાં ચોરી કરતાં બે ચોરને પૂજારીએ રંગેહાથ ઝડપી લીધા