અઢી માસ અગાઉ શાળામાં શિક્ષક બનાવા માટે ઉમેદવારોએ ટેટ-૧ની પરીક્ષા આપી હતી. પરીક્ષા લીધાને અઢી માસ જેટલો સમય થવા છતાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરિણામ પ્રસિદ્ધ નહી કરાતા ઉમેદવારોમાં રોષ ઉઠવા પામ્યો છે. ટેટ-૧નું પરિણામ ઝડપથી અને નિષ્પક્ષ પરિણામ જાહેર કરવામાં આવે તેવી માંગણી સાથે ઉમેદવારોએ રાજ્ય પરીક્ષા બોર્ડને લેખિત રજુઆત કરી હતી.
રાજ્યભરની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓની ભરતી માટે ઉમેદવારોની ટેટ પરીક્ષા લેવામાં આવે છે.
રાજ્યભરની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિષયવાર શિક્ષકોની ભરતીને પગલે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ ૨૭મી, જાન્યુઆરી-૨૦૧૯ના રોજ ટેટ-૧ની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષામાં વિવિધ વિષયના ૧.૮૬ લાખ ઉમેદવારોએ શિક્ષક બનવા માટે પરીક્ષા આપી હતી. ઓએમઆર પદ્ધતિથી લેવાયેલી પરીક્ષાની જવાબવહિની ચકાસણી કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવતી હોવા છતાં પરિણામને પ્રસિદ્ધ કરતા અઢી માસ જેટલો સમય લાગી રહ્યો હોવાનું ઉમેદવારોએ જણાવ્યું હતું.
ટેટ-૧ની પરીક્ષા ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, ઇંગ્લીશ, સંસ્કૃત, મરાઠી, ઉર્દુ, તમીલ, ફારસી, કમ્યુટર, ચિત્ર, સંગીત, યોગ સ્વાસ્થ્ય અને શારિરીક શિક્ષણ, કૃષિવિદ્યા, પશુપાલન અને ડેરી વિજ્ઞાન તેમજ ગૃહજીવન વિદ્યા વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી.