અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે એક અનોખો કાર્યક્રમ યોજાયો. જેમાં જે મતદારોને સો વર્ષની ઉંમર થઇ ગઇ હોય એવા મતદારોનું સન્માન કરવામાં આવ્યુ.
શતાયુ મતદાર સન્માન સમારોહનો આ કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી કચેરી અમદાવાદ દ્વારા કરવામાં આવ્યો. ખીચો ખીચ ભરેલા સભાખંડમાં કલેકટર વિક્રાંત પાંડે, ચૂંટણી અધિકારીઓએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે , જો સો વર્ષની ઉંમરે આ મતદારો આટલો ઉત્સાહ બતાવી શકે તો સૌ કોઇ એ મતદાન અવશ્ય કરવું જોઇએ.
આ વયથી વૃધ્ધ થયેલા લોકો આપણી ધરોહર છે. લોકશાહીને ટકાવી રાખવા અવશ્ય સમય આપી મતદાન કરવું એ સૌ વયજૂથના લોકોની ફરજ છે. શતાયુ મતદારોના સન્માન બાદ સૌ મતદાન કરે એ માટે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી. ચૂંટણી સાથે જોડાયેલા અધિકારીઓએ કેવી રીતે મતદાન કરવામાં આવે છે. એના નિદર્શન માટે એ એમ એના પ્રાંગણમાં વીવીપેટ, મશીન, મતદાન કરવા માટેનું ડેમો મશીન મુક્યું હતું. મતદાન કેવી રીતે થાય એ માટે સૌ મુલાકાતીઓને માહિતગાર કર્યા હતા.
મતદાન જાગૃતિના આ કાર્યક્રમમાં અમદાવાદ કલેક્ટર કચેરી, માહિતી ખાતાના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં અંદાજે ૭૦૦ જેટલા મતદારોને આમંત્રિત કર્યા હતા અને ૧૦૦ જેટલા શતાયું મતદારો જોડાયા હતા. અમદાવાદ જિલ્લાના શતાયુ મતદારો આ કાર્યક્રમમાં જોડાયા હતા.