વડાપ્રધાન નરેન્દ્ર મોદી અજેય નથી, આ વખતે કોંગ્રેસની જીત થશે : સોનિયા ગાંધી

580

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી ગુરુવારે રાયબરેલી લોકસભા બેઠકથી ઉમેદવારી પત્ર ભરી દીધું છે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અજેય નથી. અમે તેમને હરાવી દેશું. ૨૦૦૪ની લોકસભાની ચૂંટણીમાં પણ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ જીતવાની વાત કરી હતી પરંતુ અમે જીત મેળવી હતી. આ વખતે પણ કોંગ્રેસની જીત થશે. રાયબરેલી કલેક્ટર કચેરીએ ઉમેદવારી પત્ર ભર્યા પૂર્વે સોનિયા ગાંધીએ રોડ શો કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો ઉમટ્યા હતા. રોડ શો પહેલા યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ હવન કર્યો હતો. આ પૂજામાં સોનિયા ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી વાડ્રા, રોબર્ટ વાડ્રા અને રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ દિનેશ પ્રતાપ સિંહ જે તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે તેઓ રાયબરેલીથી સોનિયા ગાંધી સામે ચૂંટણી લડશે.

આ દરમિયાન રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, ભારતના ઈતિહાસમાં એવા અનેક લોકો થયા છે તેમને આ અહંકાર હતો કે ભારતના લોકોની તુલનામાં તેઓ મોટા અને અજેય છે. નરેન્દ્ર મોદીએ છેલ્લા ૫ વર્ષોમાં ભારતના લોકો માટે કંઈ નથી કર્યું. તેની સાથે જ તેઓએ પીએમ મોદીને ચર્ચાનો પડકાર આપતા કહ્યું કે જે દિવસે વડાપ્રધાન મારી સાથે ચર્ચા કરશે, તે દિવસે દેશની સામે સ્પષ્ટ થઈ જશે કે ચોકીદાર ચોર છે.

રાયબરેલીની બેઠક પર સપા-બસપા ગઠબંધને પોતાના ઉમેદવાર ઉતાર્યા નથી. રાયબરેલી બેઠક પર પાંચમા તબક્કામાં ૬ મેના રોજ મતદાન યોજાશે. સોનિયાએ રાયબરેલીની બેઠક પર ર૦૦૪, ર૦૦૬ની પેટા ચૂંટણી, ર૦૦૯ અને ર૦૧૪માં યોજાયેલ લોકસભા બેઠક પરની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. ૧૯પ૭ બાદ કોંગ્રેસે આ બેઠક પર પેટા ચૂંટણી સહિત ૧૯ વખત વિજય પ્રાપ્ત કર્યો છે. આ બેઠક પરથી કોંગ્રેસને ૧૯૭૭, ૧૯૯૬ અને ૧૯૯૮માં પરાજયનો સામનો કરવો પડયો હતો.

Previous articleદુનિયાની સૌથી નાના કદની મહિલા જ્યોતિએ કર્યુ મતદાન
Next articleરાહુલ પર અમેઠીમાં સાત વખત લેસર ગન તાકવામાં આવી : કોંગ્રેસનો દાવો