પાક વિમા મુદ્દે દેખાવો કરી રહેલા ખેડૂતોની અટકાયત

876

સૌરાષ્ટ્રમાં પ્રિમીયમના કરોડો રૂપિયા ભર્યા હોવાછતાં હજુ સુધી પાક વીમો નહી મળતાં આજે રાજય કિસાન સંઘના નેજા હેઠળ સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં રાજકોટ ખાતે એકત્ર થઇ વિરોધદર્શક બેનરો, પ્લેકાર્ડ અને સૂત્રો સાથે વિશાળ રેલી યોજી હતી. જો કે, પોલીસે ખેડૂતોને વિરોધ પ્રદર્શન કરતાં અટકાવી બળજબરીપૂર્વક ટીંગાટોળી અત્યાચાર ગુજારી પોલીસવાનમાં બેસાડી અટકાયત કરતાં ખેડૂતઆલમમાં રાજય સરકાર અને પોલીસના વલણને લઇ ફરી એકવાર ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો હતો. ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો હતો કે, ભાજપના રાજમાં સરકારના ઇશારે પોલીસ હંમેશા ખેડૂતો પર અત્યાચાર અને જુલમ ગુજારતી આવી છે. પોતાની માંગણીઓના વિરોધમાં ખેડૂતો પોતાની રજૂઆત કે વિરોધ પણ ના કરી શકે તો આ કયા પ્રકારની સરકાર છે અને કયા પ્રકારનું રાજ છે. સૌરાષ્ટ્ર પંથકના મોટાભાગનાં તાલુકાઓને પાક વીમો મળ્યો નથી. જેથી આજે કિસાન સંઘ દ્વારા આજે વિશાળ રેલી યોજવામાં આવી હતી. જો કે, રેલીને મંજૂરી ન મળી હોવા છતાં રેલી યોજાતા પોલીસે ૪૦થી વધુ ખેડૂતોની અટકાયત કરી હતી. પોલીસે ખેડૂતો પર બળપ્રયોગ કરી તેઓની ટીંગાટોળી કરીને અમાનવીય વર્તન સાથે પોલીસ વાનમાં બેસાડી કેદ કર્યા હતા, જેને લઇ સમગ્ર રાજયના ખેડૂતઆલમમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો હતો. ભાજપ સરકાર અને પોલીસના અત્યાચારી અને અન્યાયી વલણથી કંટાળી ૩૬ જેટલા ખેડૂતોએ રાષ્ટ્રપતિને અરજી કરી ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રભરમાંથી આવેલા સેંકડો ખેડૂતો આ રેલીમાં જોડાયા હતા. આ રેલીનાં પગલે ૩ પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જો કે, રાજકોટ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવાનો પ્રયાસ કરી રહેલા કેટલાક ખેડૂતોની પણ પોલીસે અટકાયત કરી લીધી હતી.

જો કે, ખેડૂત આગેવાનોએ કલેકટરને મળી પોતાની રજૂઆત કરવાનો આગ્રહ રાખતા અને પોલીસે તેમને અટકાવતાં મામલો ગરમાયો હતો. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા પડધરીમાં પાક વીમાને લઈને ખેડૂતોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. પાક વીમા આપવામાં વીમા કંપનીઓ અને સરકાર મિલીભગત કરી રહ્યાં છે. પડધરી અને માળિયા મિયાણામાં વીમા કંપનીઓ એ ક્રોપ કટિંગ સમયે જ મોટા પ્રમાણમાં ગોટાળા કર્યા છે. જો કે સૌરાષ્ટ્રમાં મોટાભાગના તાલુકાઓમાં ક્રોપ કટિંગમાં ગોટાળા થઈ રહ્યાં હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા હતા. દરમ્યાન  પાકવીમાને લઇને મોહન કુંડારીયાએ મેયર બંગલે પ્રેસ કોન્ફરન્સ કરતા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ આચારસંહિતાના ભંગની ફરિયાદ ચૂંટણીપંચને કરી હતી.

Previous articleહવે ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી બુક એક સમાન હશે
Next articleકોંગ્રેસના મનહરભાઇ પટેલે તળાજા પંથકના ગામડાઓમાં સભાઓ યોજી