ભાવનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઇ પટેલનો પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આજે ભાવનગર જિલ્લાના ઘોઘા અને તળાજા પંથકના ગામડાઓમાં મીટીંગો અને સભાઓ યોજી હતી. જેમાં કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મનહર પટેલને ઠેરઠેર જબ્બર આવકાર મળ્યો હતો.
ભાવનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઇ પટેલ દ્વારા આજે ઘોઘા પંથકના અવાણીયા, પીથલપુર, સરતાનપર, મોરચંદ, કુકડ તેમજ તળાજા પંથકના ત્રાપજ, સરતાનપુર અને પીથલપુર સહિતના ગામોમાં મીટીંગો તેમજ સભાઓનો દિવસભર આયોજન કરવામાં આવ્યું હતું. ઘોઘા અને તળાજા પંથકના ગામોમાં કોંગ્રેસના આગેવાનોની સાથે યોજાયેલી મીટીંગોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમર્થન આપ્યું હતું. મનહર પટેલ સહિત કોંગ્રેસના આગેવાનોએ પ્રવચનો કર્યા હતા જેમાં પાંચ વર્ષના ભાજપ શાસન દરમ્યાન વેપારીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને મહિલાઓ અસુરક્ષિતતા અનુભવી રહ્યા છે. તેમ જણાવી ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમજ સમૃદ્ધ-સુરક્ષિત અને અખંડ ભારતના નિર્માણ સાથે સુશાસનની સ્થાપના માટે કોંગ્રેસ સક્ષમ હોવાનું જણાવ્યું હતું.
મનહરભાઇ પટેલે ગ્રામ્ય પંથકોમાં ચાલતી ભાગવત સપ્તાહ સહિત ધાર્મિક કાર્યક્રમોમાં પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત ગ્રામ્ય પંથકના કાર્યાલયોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આમ કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલે ગ્રામ્ય પંથકમાંથી જબ્બર સહકાર મળી રહ્યો છે.
આજે ભાવનગર પૂર્વ અને પશ્ચિમના કાર્યાલયોનું ઉદ્દઘાટન
કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલના ભાવનગર પૂર્વ અને પશ્ચિમના કાર્યાલયનો તા.૧૨મી નો રોજ પ્રારંભ કરવામાં આવશે જેમાં સવારે ૧૦ કલાકે પશ્ચિમ વિભાગના કાર્યાલયનું ઉદ્દઘાટન ડા.જીતેન્દ્ર પટેલના ક્લીનીક ડી ડીવીઝન પો.સ્ટે. સામે ગઢેચી વડલા ખાતે તેમજ સાંજે ૭ કલાકે પૂર્વ વિભાગના કાર્યાલયનો પ્રારંભ ડોન ચોક ખાતે કરવામાં આવશે. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો સહિત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવાર દ્વારા દિવસભર વલ્લભીપુર તાલુકાના ગામોમાં ચૂંટણી પ્રવાસ કરવામાં આવશે.