ઘાયલ પક્ષીઓને ચાઈનીઝ-નાયલોન દોરી-માંઝાથી થનાર ઈજાથી બચાવવા રાજ્ય સરકાર દ્વારા તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં યોજાનારા કરૂણા અભિયાન સંદર્ભે આજે તા. ૦૮ના રોજ ૧૭/૦૦ થી ૧૭/૪૫ કલાક સુધી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી. ડી. જાડેજાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ભાવનગર ખાતે એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં થયેલ ચર્ચા વિચારણા અને આયોજન મુજબ ઘાયલ પક્ષીઓને સારવાર કેન્દ્ર વિકટોરીયા પાર્ક સુધી લઈ જવા માટે પક્ષીની આંખો સહિતની જાળવણી માટે તેને વ્યવસ્થિત પ્રોટેક્શન પોટ માં લઈ જવા, શહેર તથા જિલ્લાના જે વિસ્તારોમાં પક્ષીની વિશેષ સંખ્યા હોય ત્યાં ખાસ ધ્યાન આપવુ, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક સહિતની સંસ્થાઓમાં કરૂણા અભિયાન સંદર્ભે લોકજાગ્રુતિના પ્રયાસો કરવા, ચાઈનીઝ દોરી,તુક્કલ સહિતની સામગ્રી પર પ્રતિબંધ હોવાથી આ અંગે કોઈ બાબત ધ્યાને આવે તો પોલીસને જાણ કરવા લોકોને અનુરોધ કરાયો છે.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવિણસિંહ માલ, મ્યુ. કમિ. મનોજ કોઠારી, વેટરનરી પોલીક્લીનીકના નાયબ પશુપાલન નિયામક ડો. આર. એ. વાળા, જિલ્લા શિક્ષણાધિકારી,નાયબ વન સંરક્ષક, નાયબ પશુપાલન નિયામક વોરા સહિત સંબંધિત કચેરીના અધિકારી/પ્રતિનિધિ હાજર રહ્યા હતા.